ગુજરાતમાં ગતરાત્રીથી તાઉતે એ તબાહી સર્જવાનું શરુ કર્યું છે. સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ વાવાઝોડું હવે અમદાવાદમાં એન્ટર થયુ છે. અહીં બપોરથી જ વાવાઝોડાની અસર જોવા મળી છે જેના કારણે શહેરના વિવિઘ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો તાઉતે વાવાઝોડાના કારણે SVP હોસ્પિટલ ખાતે પવનના લીધે વાહનો હવામાં ફંગોળાયા હતા. અતિ ભારે પવનના લીધે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલનું બોર્ડ હવામાં ઉડ્યું છે. તો અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઈ થયા છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
હોસ્પિટલ તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના અપાઈ હતી. જેથી અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. રાજયમાં વાવઝોડાની અસરના પગલે અમદાવાદ જિલ્લા અને શહેરમાં પણ ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત પવનની ગતિ વધી રહી છે.