જામનગર શહેર-જિલ્લામાં તૌક્તે વાવાઝોડુ ત્રાટકવાની આગાહીના પગલે સમગ્ર જિલ્લાને એલર્ટ કરી દેવામાં આવ્યો હતો. આ વાવાઝોડા સંદર્ભે મહાનગરપાલિકાના ક્ધટ્રોલ રૂમમાં સોમવાર સાંજથી મેયર પહોંચી ગયા હતાં અને જ્યાં સુધી વાવાઝોડાની ઘાત શહેર-જિલ્લા સુધી ટળે નહીં ત્યાં સુધી ક્ધટ્રોલ રૂમમાં જ હાજર રહ્યા હતાં. મેયર દ્વારા કરાયેલી આ સરાહનીય કામગીરીને વિરોધ પક્ષે બિરદાવી હતી.

સમુદ્રમાં સર્જાયેલું તૌક્તે વાવાઝોડુ જામનગર શહેર-જિલ્લા ઉપર ત્રાટકવાની આગાહીને પગલે વહીવટી તંત્ર અને ઈમરજન્સી સેવાઓને એલર્ટ કરી દેવામાં આવી હતી તેમજ સોમવારે રાત્રે વાવાઝોડુ જામનગરને નુકસાન પહોંચાડે તેવી આગાહીના પગલે મહાનગરપાલિકાના ફાયર વિભાગના ક્ધટ્રોલ રૂમમાં સોમવાર સાંજથી મેયર બીનાબેન કોઠારી અને શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા પહોંચી ગયા હતાં. જ્યાં મેયરે ક્ધટ્રોલ રૂમમાં આવતી વાવાઝોડાને લગતી ફરિયાદોના ફોન રીસીવ કર્યા હતાં અને વાવાઝોડાની ઘાત ટળે નહીં ત્યાં સુધી જ ક્ધટ્રોલ રૂમમાં જ તેમની પ્રાથમિક ફરજ નિભાવી હતી અને મોડી રાત્રી સુધી મેયર ક્ધટ્રોલ રૂમમાં જ હાજર રહ્યાં હતાં. હાલની કપરી પરિસ્થિતિમાં શહેરના પ્રથમ નાગરિક તરીકેની ફરજ નિભાવનાર મેયર બીનાબેનનું વિરોધ પક્ષ દ્વારા આજે મળેલી મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં સન્માન કરવામાં આવ્યું હતું.


