Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકૃષિમંત્રી સામે સોશિયલ મિડીયામાં થયેલા આક્ષેપો પાયા વિહોણા : જામનગર જિલ્લા ભાજપ...

કૃષિમંત્રી સામે સોશિયલ મિડીયામાં થયેલા આક્ષેપો પાયા વિહોણા : જામનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ

કૃષિમંત્રીની કારકિર્દીને ટાર્ગેટ કરી બદનામ કરવાનો પ્રયાસ, આવા લોકો સામે સાયબર ક્રાઇમ હેઠળ તપાસ થવી જોઇએ-ભનજીભાઇ ચૌહાણ

- Advertisement -

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન, કૃષિ મંત્રી આર.સી ફળદુજી સામે પાયા વગરના આક્ષેપો પરોક્ષ રીતે સોશિયલ મીડિયા પર સંદેશારૂપી ફેરવીને ચોક્કસ તત્વો દ્વારા જે કૃત્ય કરાયું છે તે અત્યંત વખોડવા લાયક છે , તેમ સમસ્ત સતવારા સમાજના પ્રમુખ તથા જામનગર જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ ભનજીભાઈ માધુભાઈ ચૌહાણ (ભના બાપા)એ જણાવ્યું છે અને આવા તત્વો સામે કડક હાથે કામ લેવા માંગણી કરી છે.

જ્યારથી સોશિયલ મીડિયામાં મેસેજ તેમજ વાતચીતની ઓડિયો ક્લિપ જાણી જોઈને વાયરલ કરવામાં આવી છે ત્યારથી જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના સંનિષ્ઠ આગેવાનોમાં તથા કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઇ છે અને આ કરતૂત ખાસ કરીને કૃષિ મંત્રી આર.સી.ફળદુને બદનામ કરવાના ગેર ઈરાદા સાથે જ થઇ રહ્યું હોવાનું સ્પષ્ટ થયું છે એવું સ્પષ્ટ દેખાય છે કે આર.સી.ફળદુ જીની સ્વચ્છ છબીને બગાડવા માટે ચોક્કસ તત્વો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમ તેમણે જણાવ્યું છે.

આર.સી.ફળદુ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને સંનિષ્ઠ આગેવાન છે, પાર્ટીના વફાદાર છે, પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવી ચુક્યા છે આટલી લાંબી કારકિર્દીમાં એમના ઉપર કોઈ ડાઘ લાગ્યો નથી અને એટલા માટે જ ગુજરાત સરકાર જ નહીં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિકટવર્તી વર્તુળોમાં તેઓ સ્થાન ધરાવે છે.

કોરોનાની વર્તમાન મહામારી દરમિયાન કૃષિ મંત્રી આર.સી. ફળદુએ, જામનગર ની કોવીડ હોસ્પિટલ, દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા ખાતે આવેલી કોવીડ હોસ્પિટલમાં ઓક્સિજનના જથ્થા, રેમડેસિવાર ઇન્જેક્શન, જરૂરી દવાઓ, સહિતની તમામ જરૂરિયાતો પર સતત નજર રાખી છે અને જ્યારે જરૂર પડે ત્યારે રાજ્ય સરકાર પાસેથી એમણે મદદ મેળવી છે, સમગ્ર હાલારની જનતા માટે આરોગ્યની આ મહા કટોકટીમાં તેઓ એક જાગૃત લોક પ્રતિનિધિ તરીકે સામે આવ્યા છે.

આમ છતાં એક ચોક્કસ જૂથ દ્વારા આર.સી.ફળદુને ટાર્ગેટ કરીને સોશિયલ મીડિયા પર વજુદ વગરના આક્ષેપો કરતા સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા છે અને એમની સ્વચ્છ પ્રતિભા ને નુકસાન પહોંચાડવાનો હીન પ્રયાસ થયો છે.

આર.સી.ફળદુ જી કોરોનાની મહામારી ના સમયમાં જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના જવાબદારો, વહીવટી તંત્રના અમલદારો, અને આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા છે અને જ્યાં પણ કોઈપણ પ્રકારની જરૂરિયાત ઊભી થઇ હોય ત્યાં એ જરૂરિયાત પૂરી કરવા માટે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરીને પ્રશ્નનો અંત લાવી શક્યા છે તેમની કામ કરવાની પદ્ધતિ એવી છે કે તેઓ શાંતિથી કામ કરે છે અને પોતે કરેલા કામ અંગે ઢોલ પિટતા નથી આથી એમને નહીં જાણતા તત્વો અકારણે ટાર્ગેટ કરીને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે
કૃષિમંત્રી હોવાના કારણે માત્ર જામનગર જિલ્લા જ નહીં પરંતુ આખા ગુજરાતના લોકો માટે તેઓ સતત જુદા જુદા જિલ્લામાં પ્રવાસ કરીને રાત-દિવસ જોયા વગર મહામારી ના સમયમાં લોકોને વધુ ને વધુ મદદરૂપ થવાનું પ્રયત્ન કરી રહ્યા છે.

આ કૃત્ય કરનાર જે કોઈ તત્વો હોય એ તમામની સામે સાઇબર ક્રાઇમ હેઠળ પોલીસ દ્વારા તપાસ થવી જોઇએ અને એક સંનિષ્ઠ વ્યક્તિને બદનામ કરવાના કાળા કારનામા કરનારા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular