Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજર્જરિત 1404 આવાસ અંગે જામ્યુકોએ હાથ ઉંચા કર્યા

જર્જરિત 1404 આવાસ અંગે જામ્યુકોએ હાથ ઉંચા કર્યા

- Advertisement -

જવાબદારી ખંખેરવામાં જામ્યુકોના તંત્રનો કયાંય જોટો જડે તેમ નથી. દર વર્ષની માફક આ વર્ષે પણ જામ્યુકોના તંત્રએ શહેરમાં અંધાશ્રમ સામે આવેલા જર્જરિત આવાસોના રહેવાસીઓને નોટિસ પાઠવી તેમના જોખમે રહેવા અથવા આવાસ ખાલી કરી અન્યત્ર જતાં રહેવા સૂચના આપી પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી લીધા છે. દર વર્ષે ચોમાસા પહેલાં આ પ્રકારની નોટિસ આપી જામ્યુકોનું તંત્ર સંતોષ માની રહ્યું છે. આ વખતે જેવો વાવાઝોડાનો ખતરો દેખાયો કે તુરંત જામ્યુકોના તંત્રએ જર્જરિત આવાસના રહેવાસીઓને નોટિસ ફટકારી દીધી છે. લગભગ છેલ્લાં પાંચા-સાત વર્ષથી 1404 આવાસ અત્યંત જર્જરિત અવસ્થામાં રહેલા છે. ગમે ત્યારે અહીં ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે તેવા સંજોગોમાં જામ્યુકોએ બનાવેલા આ આવાસની જવાબદારીમાંથી છટકવા માટે પાણી પહેલાં પાળ બાંધી જામ્યુકોનું તંત્ર દર વર્ષે માત્ર નોટિસ પાઠવી સંતોષ માની લ્યે છે.

- Advertisement -

સદ્ભાગ્યે હજુ સુધી કોઇ ગંભીર અકસ્માત કે જાનહાની સર્જાયા નથી. પરંતુ જો કોઇ ગંભીર અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી આવાસ ધારકો પર નાખી દેવામાં આવી છે. પરંતુ, માત્ર નોટિસ આપી દેવાથી જામ્યુકો જવાબદારીમાંથી છટકી શકે નહીં. આવાસની હાલત જો અત્યંત જર્જરિત હોય અને અકસ્માતની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી જણાઈ તો અહીં રહેતા લોકોના જીવ બચાવવા જામ્યુકોની પ્રાથમિક જવાબદારી છે. જો રહેવાસીઓ સ્વૈચ્છાએ આવા જોખમી મકાનો ખાલી ન કરે તો જામ્યુકોના તંત્રએ ફરજિયાત પણે તેમને અન્યત્ર ખસેડવા પડે. પરંતુ, આવું કરવાની તસ્દી જામ્યુકોનું તંત્ર કયારેય લેતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ આવાસ યોજના જામ્યુકોની સૌ પ્રથમ આવાસ યોજના છે. 20 વર્ષથી પણ વધુ જૂની આ યોજનામાં કુલ 117 બ્લોક અને 1404 આવાસ આવેલા છે જે પૈકી મોટાંભાગના અત્યંત જર્જરિત હાલતમાં છે. જે ગમે ત્યારે ગંભીર દૂર્ઘટના સર્જી શકે છે. આગામી દિવસોમાં જામનગર પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે માત્ર નોટિસ આપી છટકી જવું શું યોગ્ય છે ?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular