અમદાવાદમાં 43 વર્ષના એક પુરૂષ કોરોના દર્દીને 34 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. આ દર્દીને ઓકિસજનની તકલીફ હતી. પ્રથમ આ દર્દીને બાયપેપ પર રાખવામાં આવ્યો હતો. બાદમાં તેને વેન્ટીલેટર મારફત સારવાર શરૂ કરવામાં આવી. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ગત બુધવારે આ દર્દીએ છેલ્લો શ્વાસ લીધો.
જે ડોકટરો આ દર્દીની સારવારમાં રોકાયેલા હતાં. તેઓએ પત્રકારોને જણાવ્યું છે કે, તેના ફેફસાંઓ ડેમેજ થયા હતાં. અમદાવાદના ક્રિટિકલ કેર નિષ્ણાંત જણાવે છે કે, આ પ્રકારના દર્દીઓના મૃત્યુ પાછળ ન્યુમોથોરેકસ નામનો રોગ જવાબદાર હોય છે. આ રોગને સાદી ભાષામાં સમજવો હોય તો એમ કહી શકાય કે, ફેફસાંમાંથી હવા લીક થાય છે અને આ હવા છાતીના પોલાણ અથવા થોરેકસમાં જતી રહે છે સામાન્ય રીતે આ વસ્તુ હ્રદયની એકદમ નજીકના ભાગમાં બને છે. જેને મેડિકલ સાયન્સમાં ન્યુમોનેડીઆસ્ટિન્યમ કહેવામાં આવે છે.
આ પ્રકારના રોગની પાછળ મુખ્ય કારણો કયા હોય શકે? તે પ્રશ્ર્નના જવાબમાં તબિબો જણાવે છે કે, આ પ્રકારના દર્દીઓને આઇસીયુમાં લાંબો સમય રાખવામાં આવે છે. બાયપેપનો ઉપયોગ કરવામાં આવે છે અને ફેફસાંમાં પુષ્કળ ઓકિસજન ભરવામાં આવે છે. આ પણ એક કારણ હોય શકે. બીજુ કારણ એ પણ છે કે, કોરોના દર્દીઓને પુષ્કળ માત્રામાં સ્ટિરોઇડ આપવમાં આવે છે.
ડોકટરો જણાવે છે કે, દર્દીઓને વધુ પડતું ઓકિસજન આપવાથી દર્દીઓની શ્વાસ લેવાની જે કુદરતી પ્રક્રિયા છે તેમાં મોટો અવરોધ ઉભો થાય છે. પરિણામે ફેફસાંઓની જે ઇલાસ્ટિસિટી (સંકોચાવું અને ફુલાવું) હોય છે તે નાશ પામે છે અથવા નબળી પડી જાય છે.
આ ઉપરાંત ડોકટરો કોરોના દર્દીઓને મિથાઇલપ્રેડનીસોલોન અને ડેકઝામેથાઝોન નામના સ્ટિરોઇડ દર્દીઓને સારવારમાં આપે છે. આ સ્ટિરોઇડનો વધુ ઉપયોગ દર્દીના ફેફસાંને ખલાસ કરી નાંખે છે.
ફેફસાંઓમાં પંચર પડી જવાથી, ઘણાં કોરોના દર્દીઓના મૃત્યુ થઇ રહ્યા છે !
દર્દીને આપવામાં આવતો વધુ પડતો ઓકિસજન અને સ્ટિરોઇડ દર્દીના ફેફસાંને નબળાં પાડી ખલાસ કરી નાંખે છે: તબીબો


