બોમ્બે હાઇકોર્ટે બુધવારે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકારે કેટલાક મહિના અગાઉ વરિષ્ઠ નાગરિકો માટે ઘરે ઘરે જઇને વેક્સિન આપવાનું શરૂ કર્યું હોત તો સુપ્રસિદ્ધ વ્યક્તિઓ સહિત અનેક લોકોના જીવને બચાવી શકાયા હોત. મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જીએસ કુલકર્ણીની બેન્ચે કેન્દ્રને જણાવ્યું હતું કે જ્યારે વેક્સિનેશન કેન્દ્ર પર જવા અસમર્થ વરિષ્ઠ નાગરિકોના જીવનનો સવાલ છે ત્યારે ઘરે-ઘરે જઇને વેક્સિનેશન કાર્યક્રમ કેમ શરૂ કરવામાં આવતો નથી. જાહેર હિતની અરજીમાં 75 વર્ષથી વધારે વયના અને પથારીવશ લોકો માટે ઘરે-ઘરે જઇને વેક્સિન આપવાની માગ કરાઇ છે.
અદાલતે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે ત્રણ સપ્તાહ થઇ ગયા છતાં સરકારે પોતાનો નિર્ણય કોર્ટને જણાવ્યો નથી. શા માટે સરકારે કોર્ટે આપેલી મહેતલમાં નિર્ણય ન કર્યો? વૃદ્ધ નાગરિકો વેક્સિનેશન માટેની લાંબી લાઇનોમાં રાહ જોવા દરમિયાન કોરોનાથી સંક્રમિત થઇ શકે છે. અદાલતે કેન્દ્ર સરકારને 19 મે સુધીમાં સોગંદનામું દાખલ કરવાનો આદેશ કર્યો છે.
ઘરે-ઘરે જઇને વેકસીન આપવામાં આવે તો ઘણી બધી જિંદગીઓ બચાવી શકાય
સરકારે વરિષ્ઠ નાગરિકોથી આ શરૂઆત કરવી જોઇએ : HC