જામનગરમાં કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા છે તેવામાં વધુ એક બીમારીએ આફત સર્જી છે. આ બીમારીનું નામ મ્યુકરમાઈકોસિસ છે. કોરોનાના લક્ષણો વચ્ચે દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસના લક્ષણો પણ દેખાઈ રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીમાં આ ફંગસના લક્ષણો જોવા મળી રહ્યા છે. જીજી હોસ્પિટલમાં હાલ મ્યુકરમાઈકોસિસના 45 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
જીજી હોસ્પિટલના તબીબ નીરલ મોદીએ જણાવ્યું છે કે હાલ જીજી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 45 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.હોસ્પિટલમાં એક નવો વોર્ડ પણ શરુ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આ રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે પણ રાજ્યમાં 100થી વધુ કેસ નોંધાયા છે.
મ્યુકોરમાઇકોસિસ એવી વ્યક્તિને અસર કરે છે જ્યારે તેની પ્રતિરક્ષક શક્તિ દબાયેલી હોય છે અથવા ઓછી હોય છે. જેમકે જ્યારે દર્દીના શ્વેતકણ ઓછા હોય છે, એચઆઈવી, કેન્સર અથવા ઇમ્યુનોસપ્રેસન સ્ટીરોઇડ્સની દવા પર હોય છે. મ્યુકરમાઈકોસિસના લક્ષણોમાં એક બ્લેક ફંગસ પણ છે જેના કારણે 50 ટકા દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. તે સિવાય માથામાં દુખાવો, તાવ, આંખ-નાકમાં જોરદાર દુખાવો અને આંખોની રોશની જતી રહેવી પણ તેના લક્ષણો છે.
મ્યૂકોરમાઈકોસિસના પ્રારંભિક લક્ષણો
– ચહેરાની આસપાસ તીવ્ર પીડા થવી કે જેના લીધે વ્યક્તિ રાત્રે સૂઈ શકતો નથી.
– માથાનો દુ:ખાવો, આંખો અને જડબાના વિસ્તારની આસપાસ દુ:ખાવો અને સોજો મ્યુકરમાઇકોસિસની શરૂઆત સૂચવે છે
– ચાવવા દરમિયાન દુ:ખાવો, દાંતનું ઢીલાપણું એ પ્રારંભિક રોગનો સંકેત ગણી શકાય
– જ્યારે કોવિડ દર્દી આ લક્ષણોનો અનુભવ કરે છે, ત્યારે રાહ જોયા વગર ડોક્ટરની સલાહ લઇ લેવી.
રોગનું નિવારણ
– બાયપ્સી, સિટી સ્કેન અને એન્ડોસ્કોપી થકી નિદાન
– રોગની તીવ્રતાના આધારે દવાઓ, સર્જીકલ ડિબ્રાઇડમેન્ટ અથવા બંન્નેથી સારવાર થઇ શકે છે.
– એમ્ફેટોરિસિન બી સારવારની પ્રાથમિક પસંદગી છે.
– એમ્ફેટોરિસિન બી સાથે અન્ય એન્ટિફંગલ્સ જેમ કે પોસોકોનાઝોલ અને ઇસુવાકોનાઝોલ પણ વપરાય છે.
– જો દર્દી નેક્રોસિસ સાથે દાખલ થાય છે તો સર્જિકલ ડિબ્રાઇડમેન્ટ એકમાત્ર ઉપાય છે.
– ફૂગવાળી જગ્યાઓ જેવી કે આંખની કીકી, અનુનાસિક શ્વૈષ્મકળામાં (નાકની આંતરિક ત્વચા), સાઈનસ અને દાંતના સડાને દૂર કરવા સર્જીકલ સારવાર કરવી જરૂરી બની શકે છે.