જામનગર શહેરમાં કોરોનાની મહામારી અને તેને કારણે લોકોને પડતી મુશ્કેલીઓને વાચા આપવા માટે જામ્યુકોના વિપક્ષિ સભ્યો દ્વારા કરવામાં આવેલી રિક્વિઝેશન બોર્ડની બેઠકની માંગણી મેયરે બીપીએમસી એકટની નિયમાવલી આગળધરીને ફગાવી દીધી છે.મેયરના આ નિર્ણયને વિપક્ષી નેતાએ આપખુદ અને લોકોનો અવાજ દબાવી દેવાના પ્રયાસ સમાન ગણાવ્યો છે.
ગત્ 28 એપ્રિલના રોજ જામ્યુકોના વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ 14 વિપક્ષી સભ્યોની સહિ સાથે મેયરને પત્ર પાઠવી શહેરમાં કોરોનાની પ્રર્વતમાન ગંભીર સ્થિતિ અંગે ચર્ચા કરવા તેમજ લોકોની મુશ્કેલીઓને વાચા આપવા માટે ખાસ સામાન્ય સભા યોજવાની માંગણી કરી હતી. જે સંદર્ભમાં મેયરની સુચના અન્વયે સેક્રેટરીએ બીપીએમસી એકટની જોગવાઇ મુજબ ખાસ સામન્ય સભા યોજવા માટે કુલ સભ્ય સંખ્યાના ચોથાભાગના સભ્યોની માંગણી અનિવાર્ય હોય જામ્યુકોના બોર્ડના કુલ 64 પૈકી 16 સભ્યની માંગણી હોવી જોઇએ જયારે વિપક્ષી નેતાના પત્રમાં 14 સભ્યોએ સહિ કરી હોય નિયમ મુજબ ચોથા ભાગના સભ્ય સંખ્યા થતી ન હોય વિપક્ષની ખાસ સામાન્ય સભા યોજવાની માંગણીને નકારી દેવામાં આવી હતી.
નિયમોને આગળ ધરી ફગાવી દેવામાં આવેલી ખાસ સામાન્ય સભા યોજવા અંગેની દરખાસ્ત અંગે મેયરને પત્ર પાઠવી પ્રતિક્રિયા વ્યકત કરતાં વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ જણાવ્યું છે કે, બહુમતીના જોરે જામનગરના લોકોનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, આ લોકશાહીની પરંતુ હિટલરશાહી છે. જો આ પ્રકારે જ લોકશાહીમાં વિરોધપક્ષની સતત અવગણના કરવામાં આવશે તો ન છુટકે વિપક્ષને જનઆંદોલન કરવાની ફરજ પડશે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે, વિરોધપક્ષ શહેરની તમામ સમસ્યાઓના ઉકેલ અને વિકાસ માટે સહકાર આપવા માટે તૈયાર છે. પરંતુ તાળી એક હાથે ન પડે સતાપક્ષે પણ બહુમતીનો અહમ છોડીને વિરોધપક્ષના સુચનો આવકારવા અને સ્વિકારવા જોઇએ.
વિપક્ષી નેતાએ આ પત્રમાં મેયરને લાગણી સભર અપીલ કરતાં જણાવ્યું છે કે, મેયર પદ ગ્રહણ કર્યા બાદ મેયર કોઇ રાજકીય પક્ષના રહેતાં નથી. પરંતુ તે સમગ્ર શહેરની જનતાના મેયર છે. શહેરમાં દરેક વ્યકિતની સુખાકારી તેમના માટે એક સમાન હોવી જોઇએ. કોરોનાના અતિ સંવેદશીલ મુદ્ે નિયમોને ઢાલ બનાવવાને બદલે મેયર વિશાળ જનહિતને ધ્યાનમાં રાખી ખાસ સામાન્ય સભા યોજી શકયા હોત.