કોરોના કાબૂમાં આવી ગયો છે એવું દર્શાવવા રાજ્ય સરકાર ડિસ્ચાર્જના આંકડાઓમાં ઘાલમેલ કરીને સાબિત કરવા મથી રહી હોવાનો ઘટસ્ફોટ તપાસમાં થયો છે. જે દર્દીઓ માત્ર હોમક્વોરન્ટાઈન થયા છે અને ક્યારેય હોસ્પિટલમાં દાખલ જ થયા નથી એ તમામ દર્દીઓને તેમના પોઝિટિવ આવ્યાના 14મા દિવસે ‘ડિસ્ચાર્જ’ બતાવી દેવાય છે. આ ઉપરાંત આ પૈકીના જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હોય તેમને તેઓ જે દિવસે ડિસ્ચાર્જ લે ત્યારે ડિસ્ચાર્જની યાદીમાં બતાવાય છે. આમ એકના એક દર્દીને બેવાર ડિસ્ચાર્જ બતાવવાનો કારસો સરકારે ઘડી કાઢ્યો છે.
કોરોનાના ડિસ્ચાર્જ દર્દીનો આંકડો વધારવાની રેસમાં હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ જે હોસ્પિટલમાં દાખલ જ થયા નથી એવા દર્દીઓને ડિસ્ચાર્જ બતાવી રાજ્ય સરકાર કોરોના ઉપર કાબૂ મેળવ્યાના અવાસ્તવિક આંકડા રજૂ કરી જસ ખાટવા પ્રયત્ન કરી રહી છે.તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, કોરોનાનો આરટીપીસીઆરટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તેને 14મા દિવસે સરકારી ચોપડે આપોઆપ ડિસ્ચાર્જ બતાવાય છે. પોઝિટિવ દર્દીને જો ચોથા-પાંચમા દિવસે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે અને તે સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મેળવે ત્યારે બીજી વખત ડિસ્ચાર્જ બતાવાય છે. આમ એક દર્દીને બે વખત ડિસ્ચાર્જ બતાવી આંકડો મોટો દેખાડાય છે, પરંતુ એની સામે બેડ ખાલી દેખાતા જ નથી.
જ્યારે હોસ્પિટલમાંથી રજા લીધેલ દર્દીઓની સાથેસાથે 14 દિવસ સુધી હોમ આઈસોલેશન દર્દીઓનો સમાવેશ કરી કુલ ડિસ્ચાર્જનો આંકડો રજૂ કરાય છે. સરકાર એક્ટિવ કેસોની ગણતરી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હોય તેમજ હોમ આઈસોલેશનમાં હોય અને 14 દિવસ પૂરા થયા નથી તેમને એક્ટિવ કેસ તરીકે ગણે છે. હોમ આઈસોલેટ દર્દીને 14 દિવસ પૂરા થાય એટલે તેને ઓટો ડિસ્ચાર્જ કેટેગરીમાં મૂકવામાં આવે છે. આથી એક્ટિવ કેસોની સંખ્યા અવાસ્તવિક રીતે ઘટાડવામાં આવી રહી છે. આમ પોઝિટિવ કેસના આંકડા બાદ હવે ડિસ્ચાર્જના આંકડાઓમાં પણ ઘાલમેલ કરવામાં આવતા રેમડેસિવિર અને ઓક્સિજનની જેમ બેડનું મેનેજમેન્ટ કરવાનું મુશ્કેલ થઇ રહ્યું છે.
સરકારની લાપરવાહીથી અનેકનાં મોત: સરકાર તરફથી દર્દીઓના આંકડામાં ગોટાળા કરી ખોટા આંકડા જાહેર કરાતા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શન અને ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. રેમડેસિવિર ઈન્જેક્શન માટે લોકોએ લાઈનો લગાવી હતી. બ્લેકમાં પણ રેમડેસિવિર ખરીદ્યા હતાં. રેમડેસિવિરની અછત સર્જાતા લોકોએ ડુપ્લિકેટ ઈન્જેક્શન પણ ખરીદવા પડ્યા હતાં. ઓક્સિજનની અછત ઉભી થઈ હતી. સરકારની આવી લાપરવાહીથી સંખ્યાબંધ લોકો મોતને ભેટ્યા હતાં.