શનિવારે મધરાતે સ્પેનમાં ઘડિયાળમાં રાત્રે બારના ટકોરા પડવા સાથે લોકો શેરીઓમાં ઉજવણી કરવા માટે નીકળી પડયા હતા. કોરોના મહામારીને કારણે લાદવામાં આવેલી ઇમરજન્સી અને નાઇટ કરફ્યુનો છ મહિના બાદ શનિવારે મધરાતે અંત આવતાં લોકો ઉત્સાહમાં આવી ગયા હતા. માડ્રીડમાં પોલીસે સહેલાણીઓને શહેરની મધ્યમાં આવેલાં સેન્ટ્રલ પુર્તા ડેલ સોલ સ્કવેરમાં એકત્ર કર્યા હતા જ્યાં લોકોેએ માસ્ક પહેર્યા વિના ડાન્સ કર્યા હતા અને સાથે મળીને ગીતો ગાયા હતા. બાર્સેલોનામાં પણ યુવાનો તથા વયસ્કો શહેરના સ્કવેરમાં તથા સમુદ્રકાંઠે મહાલવા માટે ઉમટી પડયા હતા. 25 વર્ષના બાર્સેલોનાના રહેવાસી જુઆન કાડાવિડે જણાવ્યું હતું કે આખરે કોરોનાના લોકડાઉનમાંથી મુક્તિ મળી છે.