સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે એક વખત ફરી દિલ્હીમાં ઓક્સિજન સંકટ અને કોરોનાની સ્થિતિ અંગે સુનાવણી હાથ ધરાઇ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ત્રીજી લહેરને લઇને ચિંતા વ્યક્ત કરી અને તેને લઇને અત્યારથી જ તૈયારીઓ કરવા પર ભાર મૂક્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે ટિપ્પણી કરતાં કહ્યું કે, જો કાલ ઊઠીને સ્થિતિ બગડશે અને કોરોનાના કેસ વધશે, તો તમે શું કરશો? અહેવાલો કહે છે કે, ત્રીજી લહેરમાં બાળકો પર પણ પ્રભાવ પડી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ત્રીજી લહેરમાં શું કરવું જોઇએ? તેની તૈયારીઓ અત્યારથી કરવી પડશે. યુવાઓમાં વેક્સિનેશન કરવું પડશે. જો બાળકો પર અસર વધશે તો કેવી રીતે સાચવીશું? કેમ કે, બાળકો તો પોતે હોસ્પિટલ નહીં જઇ શકે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આજે લગભગ દોઢ લાખ એવો ડોક્ટર્સ છે, જે પરીક્ષાની તૈયારીમાં છે. લગભગ દોઢ લાખ નર્સ ઘરે બેસેલી છે.
આ એ લોકો છે, જે ત્રીજી લહેરના સમયે તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, સ્વાસ્થ્યકર્મી માર્ચ 2020થી સતત કામ કરી રહ્યાં છે. આવામાં તેમના પર પણ થાક અને દબાણ વધારે છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની ત્રીજી લહેરને લઇને ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે હાલ દેશ બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. જ્યારે ગઇકાલે જ કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકારે ચેતવણી આપી હતી કે, ત્રીજી લહેર પણ આવશે. જોકે, તે ક્યારે આવશે તેનું કોઇ અનુમાન નથી. નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતમાં કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે, મોતની સંખ્યા પણ વધી રહી છે. સાથે જ હોસ્પિટલોમાં બેડ્સ અને ઓક્સિજનની કમી પણ સામે આવી રહી છે.