ગુજરાતમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્યમાં ભીડ એકઠી થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ જીલ્લાના સાણંદમાં હજારો મહિલાઓ ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈ હતી. કોરોનાના પ્રકોપથી બચવા લોકો બળિયાદેવની બાધા રાખી રહ્યા છે અને તેના ભાગરૂપે જળયાત્રા અને વરઘોડો કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે સરપંચ સહીત 23 લોકો સામે ફરિયાદ નોંધી છે.
સરકાર રાજ્યમાં કડક નિયંત્રણો લાદવાની વાતો કરે છે ત્યારે કોરોનાના કેસો ગામડાઓમાં કાબુમાં નથી આવતા. સાણંદ તાલુકાના કોલટ તથા નિધરાટ ગામે મોટી સંખ્યામાં મહિલાઓ બળિયાદેવના મંદિરે પાણીનો ઘડો ભરીને જતાં હોવાની ઘટના સામે આવી છે. અહીંના લોકો કોરોનાના પ્રકોપથી બચવા લોકો બળિયાદેવની બાધા રાખી રહ્યા છે માટે મોટી સંખ્યામાં ગ્રામજનોએ બળિયાદેવના મંદિરે ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો. જેમાં મહિલાઓ માથે પાણી ભરેલા બેડા લઇને બળિયા બાપજીનાં મંદિરે જતા હતા અને પુરુષોએ મંદિરની ઉપર બેડાના પાણીથી અભિષેક કર્યો હતો. આ પ્રસંગે કોઇએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું નહીં અને માસ્ક પણ પહેર્યા ન હતા. વીડિયો વાઇરલ થતા જ ચાંગોદર પોલીસ હરકતમાં આવી હતી અને 23 લોકો સામે ગુનો નોંધ્યો છે.