સરકાર દ્વારા તા.17 એપ્રિલના રોજ દ્વારકા જિલ્લાના કોરોના દર્દીઓ માટે 25 વેન્ટીલેટર મોકલવાની અને દ્વારકા જિલ્લામાં આરટીપીસીઆર લેબ ચાલુ કરવાની જાહેરાત કરી હોવા છતાં આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા તા.12/5/2021 થી કલેકટર દેવભૂમિ દ્વારકાની કચેરી સામે ઉપવાસ ઉપર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લમાં કોરોનાનું સંક્રમણ વધતું હોવાથી હવે લોકો માટે ચિંતા સાથે ભયજનક બની રહયું છે. આવી પરિસ્થિતિ વચ્ચે સરકારી આરોગ્ય તંત્ર પણ ટુંકુ પડી રહયું છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં ભયંકર કેસો હોવાથી ત્યાં ગામડાઓમાં કોઈ જ લોકોના પૂરતાં ટેસ્ટ કરવામાં આવતાં નથી. તેમજ પૂરતી કીટ પણ આપવામાં આવતી નથી. તેનું કારણ સરકાર આંકડા છુપાવવા માટે થઈને પુરતા ટેસ્ટ કરતાં નથી ને પૂરી કીટ ફાળવતાં નથી જેના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયેલું છે. જેના માટે માત્ર ને માત્ર દેવભૂમિ દ્વારકાના ક્લેક્ટર અને આરોગ્ય તંત્ર જ જવાબદાર છે. આખો દિવસ મીંટીગમાં વ્યસ્થ હોય છે.
જામ ખંભાળીયામાં આવતા દર્દીઓના કોરોનાના સેમ્પલ જામનગરની ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવે છે. જેમાં વર્ક લોડ હોવાથી એક સપ્તાહ પછી રીપોર્ટ દર્દીઓને મળે છે. આરટીપીસીઆર માટેની લેબની જાહેરાત રાજ્યનાં મુખ્યમંત્રી તા.17/04/ર021ના રોજ જામનગરની મુલાકાતે આવેલ હતાં ત્યારે તેઓએ જામ ખંભાળીયાની રેફરલ હોસ્પિટલમાં નવા રપ વેન્ટીલેટરો તેમજ અઠવાડીયામાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબ શરૂ થઈ જશે, તેવી જાહેરાત કરી હતી.
આમ, છતાં આ જાહેરાતને આજે 20 દિવસ જેટલો સમય પસાર થઈ જવા છતાં વેન્ટીલેટર નથી આવ્યાં આરટીપીસીઆર લેબ શરૂ કરવામાં આવી નથી. આથી તા.11 મે સુધીમાં 25 વેન્ટીલેટર મોકલવામાં નહીં આવે અને આરટીપીસીઆર લેબ શરૂ નહીં થાય તો તા.12 મે ના સવારે 10 વાગ્યાથી આ ચોકકસ મુદ્તના ઉપવાસની ચિમકી ઉચ્ચારાઇ છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલ દ્વારકા માટે વેન્ટીલેટર તથા આરટીપીસીઆર લેબની કાર્યવાહી નહીં થાય તો ધારાસભ્ય ઉપવાસ કરશે
વિક્રમભાઇ માડમ દ્વારા તા. 12 મે થી ઉપવાસ આંદોલનની ચિમકી