ગુજરાતમાં કોરોના સંકટ સામે અનેક સંસ્થાઓ અને લોકો મદદ માટે આગળ આવ્યા છે. તેવામાં પાટીદારોની અગ્રણી સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા ગુજરાતના 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટરની મદદની જાહેરાત કરવામાં આવી છે. 100 કોન્સ્ટ્રેટરની પ્રથમ ખેપ ફ્લોરિડાથી ગુજરાત આવવા રવાના થઈ ગઈ છે. ત્યારે આજે પ્રથમ ખેચ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની અમેરિકા અને કેનેડાની ટીમ દ્વારા 1 હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર મોકલવામાં આવશે. સંસ્થાના ટ્રસ્ટીઓએ અમેરિકન સરકારના નિયમોને આધીન દર અઠવાડિયે પ્લેન દ્વારા 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મોકલવાની વ્યવસ્થા કરી છે. આજે રોજ 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ભરેલાં એરકાર્ગો પાર્સલનું વિશ્વ ઉમિયાધામ મંદિર, જાસપુર ખાતે પુજન થશે અને ત્યારબાદ રાજ્યના વિવિધ શહેરોમાં વિવિધ સંસ્થાઓ અને સમાજોને ઓક્સિજન કોન્સ્ટ્રેટર પહોંચાડવામાં આવશે. દાતાઓના સહયોગથી દર સપ્તાહે આવનારા 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર તબક્કાવાર રાજ્યના વિવિધ શહેરોની સંસ્થાઓ તેમજ સમાજના જરૃરિયાતમંદ લોકોને આપવામાં આવશે.
અમેરિકાથી આવનાર 1 હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ શરૂ કરાઈ છે. જેમાં રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિશુલ્ક અપાઈ રહી છે.