લાલપુર તાલુકામાં પીપરટોડા ગામમાં આવેલા વનવિભાગની વીડીમાં રખાયેલાં ધાસના જથ્થા ઉપર આકાશી વિજળી પડતાં ભિષણ આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે જામનગર-જામજોધપુર અને રિલાયન્સના ફારય ફાયટરો ઘટના સ્થળે દોડી ગયા હતાં.
આ અંગેની વિગત મૂજબ જામનગર જિલ્લામાં ત્રીજા દિવસે બપોરબાદ વાતાવરણમાં પલટો આવતાં લાલપુર પંથકમાં અમુક સ્થળોએ કરા સાથે વરસાદ પડયો હતો. દરમ્યાન પીપરટોડા ગામની સિમમાં આવેલી વનવિભાગની વિડીમાં એકત્ર કરાયેલાં ધાસના જથ્થા ઉપર આકાશી વિજળી પડતાં આગ ભભૂકી હતી. અને થોડીક ક્ષણોમાં આગે ભીષણ સ્વરૂપ પકડી લીધું હતું. જેના કારણે તે વિસ્તારમાં દોડા દોડી થઇ ગઇ હતી. આગની ઘટનાની જાણ થતાં જામનગર ફાયર વિભાગના ફાયર ફાયટર તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આગને કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યા હતાં. ત્યારબાદ જામજોધપુર અને રિલાયન્સ કંપનીના ફાયર ફાયટરો પણ ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અને આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો.