ખંભાળિયામાં રહેતા અને શહેરમાં વિવિધ પ્રકારે લોકોને સહાયભૂત થવાની પ્રકૃતિ ધરાવતા એક રઘુવંશી યુવાનને ગઈકાલે કાળરૂપી એસ.ટી. બસે અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નિપજયુ હતું.
ખંભાળિયાના ગાગવાણી ફળી વિસ્તારમાં રહેતા હિતેશભાઈ વાસુદેવભાઈ ગોકાણી નામના 45 વર્ષીય યુવાન છેલ્લા ઘણા સમયથી લોકોને કોઇપણ કામ કે પ્રસંગે વિવિધ પ્રકારે સહાયરૂપ થવા સાથે સરળ વ્યક્તિત્વ જેવી નામના ધરાવતા આ યુવાન શુક્રવારે બપોરે ખંભાળિયા- દ્વારકા હાઇ-વે પર એક પ્રસંગમાં કામ અર્થે ગયા હતા. જ્યાં તેઓ કુવાડિયાના પાટિયા નજીક સ્કૂટર પર જઈ રહ્યા હતા, ત્યારે તેમના એકટીવા મોટરસાયકલને આ માર્ગ પર પુરઝડપે આવી રહેલી દ્વારકા- અમદાવાદ રૂટની ગુર્જર નગરી એસ.ટી. બસ નંબર જીજે-18-ઝેડ-4985 સાથે તેમના મોટરસાયકલ ધડાકાભેર ટકરાતા હિતેશભાઈ સ્કૂટર સાથે ફેંકાઈ ગયા હતા. જેથી તેને ગંભીર ઈજાઓ થતા અહીની હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ ખેંચતા હતા.
આ બનાવ અંગે મૃતકના ભાઈ ભાવેશભાઈ વાસુભાઈ ગોકાણીની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સરળ સ્વભાવના અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા યુવાનના અપમૃત્યુના બનાવે રઘુવંશી સમાજ સાથે શહેરમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.