જામજોધપુરમાં બાલવા રોડ પર જાહેરમાં આઈપીએલ 20-20 ટૂર્નામેન્ટના મેચ પર જૂગાર રમાડતા એક શખ્સને પોલીસે રૂા.10560 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય શખ્સની સંડોવણી ખુલતા તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ બનાવની વિગત મુજબ, જામજોધપુરમાં બાલવા રોડ પર જાહેરમાં અમદાવાદમાં રમાતી આઈપીએલ 20-20 ટૂર્નામેન્ટમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર મોબાઇલ ફોનમાં રનફેરનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન વિજય ઉર્ફે યુ વી દુદાભાઈ વાઢેર નામના ખાનગી બસના કંડકટરને ઝડપી લઇ રૂા.10560 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા કૃણાલ કાંજિયાની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે કૃણાલની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.