ભારતમાં ઘણાં બધાં ચૂંટણી સુધારાઓની જરૂર છે. કમનસીબે દેશની ચૂંટણીઓમાં સુધારાઓ લાગુ કરવામાં આવી રહ્યા નથી. દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એસ.ક્રિષ્નામૂર્તિએ આમ જણાવ્યું છે.
દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એસ.ક્રિષ્નામૂર્તિએ કહ્યું છે કે, ભારતમાં રાજકીય પક્ષો ચૂંટણી સુધારાઓ કરવાની દિશામાં સક્રિય નથી. ઘણાં બધાં ચૂંટણી સુધારાઓની જરૂર છે. હાલની પધ્ધતિમાં નાણાંવિનાની કોઇ વ્યકિત ચૂંટણી જીતી શકે તેવી સ્થિતિ નથી. તેઓએ વધુમાં કહ્યું કે, કોઇપણ રાજકિય પક્ષ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ચૂંટણી સુધારાઓનો મુદ્ો દાખલ કરતો નથી.
ક્રિષ્નામૂર્તિએ એમ પણ કહ્યું કે, ચૂંટણીઓ માટેના નાણાંનો જે રીતે ઉપયોગ થઇ રહ્યો છે. તે પધ્ધતિ પૂરતી પારદર્શક નથી. દેશમાં અલગથી ચૂંટણી ફંડ વ્યવસ્થા ગોઠવવી જોઇએ. આ ફંડમાં કોઇપણ કોર્પોરેટ ગૃહ તેમજ નાગરિકો પોતાનો ફાળો નોંધાવી શકે.
ત્યારબાદ દરેક નોંધાયેલા પક્ષની સાથે સલાહ-મસલતો કરીને ચૂંટણીપંચે આ ચૂંટણી ફંડનો કઇ રીતે ઉપયોગ કરવો? તે અંગેની ગાઇડલાઇન નકકી કરવી જોઇએ. આ ગાઇડલાઇન એવી રીતે નકકી કરવામાં આવે કે, કોઇપણ ગરીબ નાગરિક પણ ચૂંટણી લડી અને જીતી શકે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, હાલની પધ્ધતિ અત્યાર સુધી યોગ્ય હતી. કેમ કે, નાગરીકો શિક્ષિત અને જાગૃત ન હતાં. હવે આપણી લોકશાહીને 70 વર્ષ થઇ ગયા છે. કોઇપણ ઉમેદવાર કૂલ મતદાર પૈકી 20-25% મતદારોના મતોથી ચૂંટણી જીતે તે વ્યવસ્થા હવે ન ચલાવી શકાય. તેઓએ એમ પણ કહ્યું કે, સંબંધિત બેઠક પર થયેલાં કુલ મતદાનના 50% મતોથી વધુ મત મળે તે વ્યકિતને જ ચૂંટાયેલી જાહેર કરવી જોઇએ. કારણ કે, આ ઉમેદવાર પ્રજાનું યોગ્ય પ્રતિનિધિત્વ કરે છે. હાલની સ્થિતિ યોગ્ય નથી.