કોરોના મહામારીમાં બેકાબૂ બનેલી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મંત્રી પરિષદ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને તેમાં તેમણે કહ્યું હતું કે, સરકારનાં તમામ હાથ દેશમાં વણસતી કોવિડ-19ની સ્થિતિનો સંગઠિત અને ત્વરાએ મુકાબલો કરી રહ્યા છે.
આ મહત્ત્વની બેઠકમાં મહામારીનાં પ્રબંધન અને ઓક્સિજન તથા અન્ય દવાઓની ઉપલબ્ધતા વિશે જાણકારીઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં મોદીએ કેન્દ્રીય મંત્રીઓને પોતાનાં ક્ષેત્રોનાં લોકો સાથે સંપર્કમાં રહેવા અને તેમની સહાયતા કરવાં કહ્યું હતું. વડાપ્રધાને સ્થાનિક સ્તરે મુદ્દાઓ તારવીને તેના તુરંત સમાધાન માટેનાં પ્રયાસોની આવશ્યક્તા દર્શાવી હતી.
આ બેઠકમાં છેલ્લા 14 માસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉપરાંત દેશની જનતા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની સમીક્ષા પણ થઈ હતી. કોરોનાની બીજી લહેરમાં પહેલીવાર બોલાવવામાં આવેલી મંત્રીમંડળની બેઠકમાં વર્તમાન સ્થિતિને સદીઓમાં એકાદવાર આવતી વિપત્તિ કહેવામાં આવી હતી. તેને દુનિયા માટે સૌથી મોટો પડકાર ગણાવવામાં આવી હતી.
બેઠક દરમિયાન વડાપ્રધાન અને મંત્રીઓએ રાજ્યો સાથે સંકલન સાધીને કેન્દ્ર દ્વારા હોસ્પિટલથી લઈને બેડ, ઓક્સિજન સુવિધાથી લઈને આર્થિક સહાયતા સુધીનાં પ્રયાસોની સમીક્ષા પણ કરી હતી. બેઠકમાં મંત્રીઓ દ્વારા કોરોનાને અનુરૂપ સામાજિક વર્તન, માસ્ક, શારીરિક અંતર, હાથ ધોવા સહિતની આવશ્યક્તા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રીએ દેશભરના મંત્રીઓને અનુરોધ કર્યો હતો કે, તમામ મંત્રીઓએ લોકસંપર્કમાં રહેવું જરૂરી છે.