રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે ભરૂચની કોવિડ હોસ્પિટલમાં વિકરાળ આગ ફાટી નીકળતા ICUમાં સારવાર લઇ રહેલ કોરોનાગ્રસ્ત 12 દર્દીઓ તેમજ 2સ્ટાફ કર્મી અને 2 નર્સ સહીત 16લોકો જીવતા ભૂંજાયા છે. ભીષણ આગને જોતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ભરૂચના બાયપાસ રોડ પર આવેલ પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવારે મોડી રાત્રે આગ ફાટી નીકળતા 2સ્ટાફકર્મી, 2નર્સ અને 12 દર્દીઓ સહીત 16લોકોના મૃત્યુ નીપજ્યા છે. મૃતકઆંક હજુ પણ વધે તેવી સંભાવનાઓ છે. કોવિડ સેન્ટરમાં આગ કયા કારણોસર હતી તે કારણે તે હજુ સુધી સાફ થઈ શકાયું નથી. જોકે, એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હશે.
ભરૂચમાં આવેલ આ કોવીડ હોસ્પિટલમાં છેલ્લા 1વર્ષથી દર્દીઓને ફ્રીમાં સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 16લોકોના મૃત્યુ થયા છે. આગની ઘટના અંગે જાણ થતાં જ ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે રડતા રહ્યા હતા. 40 ઉપરાંત એમ્બ્યૂલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી.
તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડના 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી છે. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICU વોર્ડમાં 27 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. બચી ગયેલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ, જંબુસર અલ મહેમુદ સહિતની હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચની કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુઃખદ ઘટનામાં મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરીને તેમના પરિવારજનોને સંત્વના પાઠવી છે અને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.