Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદરેક નાગરિકનું વિનામૂલ્યે રસીકરણ થવું જોઇએ: સુપ્રિમ કોર્ટ

દરેક નાગરિકનું વિનામૂલ્યે રસીકરણ થવું જોઇએ: સુપ્રિમ કોર્ટ

રસીની કિંમતો ઉત્પાદકો નકકી ન કરી શકે: કોર્ટ

દેશમાં પ્રવર્તી રહેલી કોરોના કટોકટી પર સુઓ મોટો કેસ નોંધી સુનાવણી હાથ ધરનારી સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર પર લોકડાઉન લાદવા, આવશ્યક દવાઓની ઉપલબ્ધતા, રાજ્યોને અપાતા ઓક્સિજનની સ્થિતિ અને કોરોનાની રસી સહિતના સંખ્યાબંધ મુદ્દા પર અણિયાળા સવાલોની ઝડી વરસાવી હતી. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ એલ એન રાવ અને જસ્ટિસ એસ આર ભટની બેન્ચે કેન્દ્ર સરકારને પહેલો સવાલ એ કર્યો હતો કે શું કોરોના સંક્રમણના પ્રસારને અટકાવવા સરકાર લોકડાઉન લાદવાની તૈયારી કરી રહી છે કે કેમ?

- Advertisement -

દેશમાં પ્રવર્તી રહેલી ઓક્સિજન, હોસ્પિટલ બેડ અને કોરોના સામે રક્ષણ આપતી દવાઓની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારને આકરા સવાલો પૂછયાં હતાં. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્યોને ઓક્સિજનની ફાળવણી પાછળનો આધાર કયો છે? દેશમાં ઓક્સિજન, બેડ અને ડોક્ટરોની અછત અંગે લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે છે ત્યારે તેમની સામે સરકારો દ્વારા પગલાં લેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને જણાવ્યું હતું કે, લોકો દ્વારા આ પ્રકારની અછતો અંગે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરવામાં આવે તો તેમની સામે કોઇ પ્રકારના પગલાં લેવામાં ન આવે. જો પગલાં લેવાશે તો તેને અદાલતની અવમાનના ગણવામાં આવશે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની માહિતીથી માનવીય કટોકટીનો સાચો ચિતાર મળી રહેશે.

રેમડેસિવિરની અછત પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને હાલના કાયદાઓ અંતર્ગત પેટન્ટ રૂલ્સની અવગણના કરવાની સરકારને સલાહ આપી હતી. જેથી બાંગ્લાદેશથી તેની આયાત કરી શકાય. કોરોનાની રસીના મામલે પણ સરકારની નીતિઓ પર સુપ્રીમ કોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર, રાજ્યો અને પ્રાઇવેટ હોસ્પિટલો માટે કોરોનાની રસીની અલગ અલગ કિંમતો વિચલિત કરી રહી છે. શા માટે કેન્દ્ર, રાજ્યો અને પ્રાઇવેટ હોસ્પિટલો માટે અલગ અલગ કિંમત રખાઇ છે? શા માટે સરકાર રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમની તર્જ પર તમામ રસીની ખરીદી કરી રહી નથી? સરકારે વિવિધ રસીઓ માટે નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ પર વિચારણા કરી દેશના દરેક નાગરિકને વિનામૂલ્યે રસી આપવી જોઇએ. કયા રાજ્યને કેટલી રસીનો જથ્થો આપવો અને કેટલી કિંમત વસૂલવી તેનો નિર્ણય વેક્સિન ઉત્પાદકો પર છોડવો જોઇએ નહીં.
જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાઓની અછત અંગે સોશિયલ મીડિયા પર ફરિયાદ અને આક્રોશ વ્યક્ત કરતા નાગરિકોને સુરક્ષા કવચ આપતાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ફરિયાદ કરનાર સામે કોઇપણ પ્રકારના પગલાં લઇ શકાશે નહીં. તેમણે જણાવ્યું હતું કે, જો આ પ્રકારની ફરિયાદો સામે કોઇપણ પ્રકારના પગલાં લેવાશે તો અમે તેને કોર્ટની અવમાનના ગણીશું. અમે તમામ રાજ્ય સરકારો અને દરેક ડીજીપીને આકરો સંદેશ આપીએ છીએ કે માહિતી પર સકંજો મૂળભૂત નિયમોની વિરુદ્ધ છે. જો કોઇ નાગરિક સોશિયલ મીડિયા અથવા ઇન્ટરનેટ પર કોઇ ફરિયાદ વ્યક્ત કરે છે તો તેને ખોટી માહિતી કે અફવા ગણી શકાય નહીં. આમ સુપ્રીમ કોર્ટે નાગરિકોના અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ કર્યું છે.

- Advertisement -

ઓક્સિજન, બેડ અથવા ડોક્ટરોની અછત અંગે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરનારા સામે કેન્દ્ર, રાજ્ય કે તમામ ડીજીપી કોઇ પ્રકારના પગલાં લઇ શક્શે નહીં અછતની ફરિયાદ કરનારા નાગરિક સામે પગલાં લેવાશે તો તેને અદાલતની અવમાનના ગણી કાર્યવાહી કરાશે માનવીય કટોકટીમાં સોશિયલ મીડિયા પર રજૂ કરાતી અછતની મુક્ત માહિતીથી સાચી પરિસ્થિતિનું આકલન કરી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular