ગુજરાતમાં વધી રહેલ કોરોનાની મહામારીના પરિણામે 108ના કર્મીઓ દર્દીઓનો જીવ બચાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે. તેવામાં સુરેન્દ્રનગર માંથી એક કરુણ ઘટના સામે આવી રહી છે. સુરેન્દ્રનગરમાં 108ના ઈએમટીનું આજે ચાલુ ફરજ દરમિયાન સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પિટલના પટાંગણમાં જ મોત નીપજ્યું છે. આ કરુણ ઘટના CCTVમાં કેદ થઇ છે.
સુરેન્દ્રનગર 108ના ઇએમટી તરીકે ફરજ બજાવતા 37 વર્ષિય મહાવિરસિંહ ઝાલા બુધવારે 108માં દર્દીને લઇ સુરેન્દ્રનગર સી.જે.હોસ્પિટલ સામે આવેલા દવાખાને લઇ આવ્યા હતા. તેઓ 108માંથી દર્દીને ઉતારી રહ્યાં હતા. તે દરમિયાન તેમને ચક્કર આવતા પડી ગયા હતા. હ્રદયરોગના હુમલા થી તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પહેલા મહાવિરસિંહ ઝાલાનું મૃત્યુ નીપજ્યું હતું. આ કરુણ ઘટનાના આજે સીસીટીવી સામે આવ્યા છે.