કાલાવડમાં શીતલા કોલોની વિસ્તારમાં પ્રૌઢે તેના ઘરે ઝેરી ટીકડા ખાઈ જતાં જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રાજકોટથી જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે આવી રહેલા વૃદ્ધનું ધ્રોલ નજીક પહોંચતા રસ્તામાં જ છાતીમાં દુ:ખાવો થવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડમાં શિતલા કોલોની વિસ્તારમાં રહેતા બાબુભાઈ માધાભાઈ પાધરેચા (ઉ.વ.50) નામના પ્રૌઢે ગત શુક્રવારે રાત્રિના સમયે તેના ઘરે નશામાં ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જતા કાલાવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી વધુ સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર વિપુલભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.બી. ચૌધરી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, રાજકોટમાં ટી.એન. રાઉ કોલેજની બાજુમાં આવેલા શ્યામવાટીકામાં બ્લોક નં.કે/301 માં રહેતા ભગવાનજીભાઈ ઉર્ફે હકુભાઈ વસ્તાભાઈ ગાંભવા (ઉ.વ.71) નામના વૃધ્ધે છ માસ પૂર્વે બાયપાસ સર્જરી કરાવી હતી અને તે માટે ગત તા.28 ના રોજ રાજકોટથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં તબીયત બતાવવા માટે આવતા હતાં તે દરમિયાન ધ્રોલ પાસે પહોંચ્યા ત્યારે રસ્તામાં છાતીમાં દુ:ખાવો ઉપડતા બેશુધ્ધ થઈ જતા હોસ્ટિપટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર ચિરાગભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.પી. વઘોરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.