મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અનુરોધનો ત્વરિત પ્રતિસાદ આપતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમણની મહામારીની વિપદામાં જનતા જનાર્દનની સેવામાં સરકાર સાથે રિલાયન્સ પરિવાર પણ પડખે ઊભો છે તેની ખાતરી આપી હતી. તેમણે મુખ્યમંત્રીની અપિલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વ રૂપે જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથેની ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે. મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીને એમ પણ જણાવ્યું કે, આગામી રવિવાર સુધીમાં 400 બેડની હોસ્પિટલ તો ઓક્સિજન સુવિધાઓ સાથે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શરૂ કરી દેવાશે.
ત્યારબાદ વધુ 600 બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ શરૂ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતનું નિર્માણ કાર્ય બનતી ત્વરાએ હાથ ધરીને 1000 બેડની સંપૂર્ણ ક્ષમતા સાથેની હોસ્પિટલ એકાદ સપ્તાહમાં શરૂ કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણત: પ્રયાસરત રહેશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનને જણાવ્યું કે આ હોસ્પિટલ માટે જરૂરી માનવબળ પુરૂં પાડવામાં રાજ્ય સરકાર રિલાયન્સને મદદરૂપ બનશે. અન્ય સાધન-સામગ્રી, ઇક્વિપમેન્ટસ અને આનુષાંગિક સુવિધાઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ હોસ્પિટલ માટે ઊભી કરશે. જામનગરમાં નિર્માણ થનારી રિલાયન્સની હોસ્પિટલ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસના નેતૃત્વમાં જિલ્લા કલેકટર, તેમજ જિલ્લા વહિવટીતંત્ર સંકલનની જવાબદારી સંભાળી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી રવિવાર સુધીમાં 400 બેડની તેમજ ત્યાર બાદ બનતી ત્વરાએ એકાદ સપ્તાહમાં વધુ 600 બેડ સાથે એમ કુલ 1000 બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓક્સિજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત થવાથી જામનગર તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર વગેરે જિલ્લાઓના નાગરિકો-લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા ઘર આંગણે મળતી થશે.