જામનગરમાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક રેકર્ડબ્રેક સપાટીએ પહોંચી રહ્યો છે. કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને લઇ જામનગરની ગ્રેઇન માર્કેટ આજરોજ તા. 26થી સોમવારથી શુક્રવાર દરમિયાન આંશિક લોકડાઉન જાહેર કરાયું છે.
ધી સિડઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસો.ના પ્રમુખ જીતુભાઇ લાલ અને મંત્રી લહેરીભાઇના જણાવ્યાનુસાર વેપારીઓના બહુમતિ નિર્ણયને ધ્યાને લઇ સંસ્થા દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને લઇ તા. 26 એપ્રિલથી સોમવારથી શુક્રવાર દરમિયાન માર્કેટમાં વેપાર કરવાનો સમય સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધીનો રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત શનિવાર અને રવિવાર કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય કર્યો છે. જેનું તમામ વેપારીઓએ પાલન કરવા એસોસિએશન દ્વારા કરાયેલ અપીલને ધ્યાને લઇ ગ્રેઇન માર્કેટના વેપારીએ બપોરે બે વાગ્યા બાદ સંપૂર્ણ લીધે દુકાનો બંધ રાખી હતી. જેના પગલે સતત ધમધમતી ગ્રેઇન માર્કેટ બપોરે બે વાગ્યા બાદ સુમસામ બની હતી. તમામ વેપારીઓએ એસો.ના નિર્ણયને આવકારી દુકાનો બંધ રાખી હતી.