સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેરમાં મહામારીએ કહેર સર્જ્યો છે અને તમામ હોસ્પિટલો દર્દીઓથી ભરચક બની છે. સાથોસાથ મૃત્યુદર પણ સતત વધી રહ્યો છે.
જામનગરમાં કોરોના હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ અવસાન પામે ત્યારે તેઓના મૃતદેહના અંતિમ સંસ્કાર કોરોના ગાઈડલાઈન મુજબ થતાં હોય છે. સરકાર તરફથી આ સેવા શહેરની મોક્ષ ફાઉન્ડેશન નામની સંસ્થા ને સોંપવામાં આવી છે, અને સંસ્થા ના પ્રમુખ વિક્રમસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમની સમગ્ર ટીમ વિતેલા વર્ષના કપરાં કાળ થી લઈને અવિરત કાર્યરત છે.
છેલ્લા બે સપ્તાહથી મૃત્યુની સંખ્યામાં બેસૂમાર વધારો થયો છે અને દરરોજના સરેરાશ 70 થી 80 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. દિવસ-રાત આ પ્રકારની કામગીરી કરતાં – કરતાં ફાઉન્ડેશનના કેટલાય સ્વયંસેવકો પણ બિમાર પડ્યા છે. વળી મૃતક દર્દીઓના પરિવારના સભ્યો પણ અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં ખુબજ ઓછા પ્રમાણ માં સામેલ થતાં હોવાથી જરૂર પડ્યે કફન, નનામી, ટ્રાન્સપોર્ટ સહિતનો ખર્ચ પણ આ સંસ્થા જ ઉઠાવે છે.
આથી મોક્ષ ફાઉન્ડેશનની પ્રવૃત્તિથી પ્રેરાઈને તેમજ સંસ્થાની જરુરિયાતને ધ્યાને રાખી સંસ્થાને સહાયરૂપ થવાના શુભ આશયથી મહેશ્વરી ટ્રેડિંગ કંપનીવાળા ઓ.પી. માહેશ્ર્વરી અને મહેશ્વરી ટ્રેડિંગ કંપનીના મુખ્ય સંચાલક અને વ્યવસ્થાપક એવા વૈભવભાઇ વસા અને મહેશ્વરી ટ્રેડિંગ કંપનીના તમામ સ્ટાફગણ તરફથી રુપિયા અઢી લાખની સહાય ઉપરાંત મૃતદેહોને ઓઢાડવા માટેના એક હજાર નંગ સફેદ વસ્ત્રોનું દાન અર્પણ કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત તસ્વીરમાં માહેશ્વરી ટ્રેડિંગ કંપનીના મુખ્ય સંચાલક અને વ્યવસ્થાપક વૈભવભાઈ વસા અને મહેશ્ર્વરી ટ્રેડિંગ કંપનીના કર્મચારીગણ વગેરે દ્વારા રૂપિયા અઢીલાખની સહાયની રકમનો ચેક મોક્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ વિક્રમસિંહ ઝાલા તથા જામનગરના પત્રકાર સંજય જાનીને અર્પણ કરતા દ્રશ્યમાન થાય છે.