દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયા કોરોનાના ગંભીર પ્રકારના દર્દીઓ સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં દેશવ્યાપી અને રાજ્યવ્યાપી ઑક્સિજનની અછતમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ બાકાત રહ્યો નથી. જોકે ખંભાળિયાની સરકારી કોવિડ હોસ્પિટલમાં હાલ સવાસો જેટલા ઓક્સિજન બેડ તથા વેન્ટિલેટર બેડ છે. જેમાં ગંભીર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં સરકાર ઉપરાંત રિલાયન્સ દ્વારા પણ ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. જે હાલ પર્યાપ્ત માત્રામાં હોવાનું તંત્ર દ્વારા જાણવા મળેલ છે. જો કે આનાથી વિપરીત પરિસ્થિતિ ખાનગી હોસ્પિટલમાં જોવા મળે છે.
ખંભાળિયામાં આવેલી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓક્સિજનની વ્યાપક અછત વર્તાઈ રહી છે. જેના કારણે તબીબોએ ફરજિયાત પણે હાથ ઊંચા કરી અને દર્દીને અન્યત્ર ખસેડવા અથવા ઓક્સિજનની વ્યવસ્થા કરવા દર્દીના સંબંધીઓને જણાવવું પડે છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગંભીર દર્દીઓને અહીંની ખાનગી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી. તેઓને જરૂરી ઓક્સિજનનો પુરવઠો ન મળતા તબીબો દ્વારા સબંધિત તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે.
આના અનુસંધાને અહીંના પ્રાંત અધિકારી અને નોડલ ડી.આર. ગુરવ દ્વારા જામનગર જિલ્લામાં આવેલા એક ઓક્સિજન પ્લાન્ટ સાથે કોઓર્ડીનેશન સાધી, અહીં નિયમિત ઓક્સિજન મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આટલું જ નહિ ખાનગી હોસ્પિટલોમાં પણ જરૂરિયાત મુજબ ઓક્સિજન મળે તે માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોનાની સારવાર માટે ખંભાળિયા તાલુકામાં પાંચ તથા ભાણવડમાં એક મળી કુલ છ ખાનગી કોવિડ હોસ્પિટલ હાલ કાર્યરત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓક્સિજનનું ઉત્પાદન કરતો એક પણ પ્લાન્ટ નથી. હાલ જામનગર જિલ્લામાંથી ઓક્સિજનનો પૂરવઠો મંગાવવામાં આવી રહ્યો છે. વધુ જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલા જામનગર જિલ્લાના એક બંધ પ્લાન્ટને પૂર્વવત રીતે કાર્યરત થયા બાદ અહીં વધુ ઓક્સિજનનો જથ્થો મળશે અને ઓક્સિજનની ખેંચ દૂર થશે તેવી સંભાવના પણ પ્રાંત અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
જિલ્લાના ગંભીર દર્દીઓને અન્યત્ર ખસેડવા માટે ઓક્સિજન એમ્બ્યુલસની અછત છે. ખંભાળિયા નગરપાલિકાની એમ્બ્યુલન્સને તાજેતરમાં ઓક્સિજન સુવિધા સાથેની બનાવાયા બાદ હાલ ઓક્સિજનના આભાવે નગરપાલિકાની એમ્બ્યુલન્સ પણ આવા દર્દીઓ માટે નકામી બની રહી છે. ગંભીર દર્દીઓ માટે અન્ય જિલ્લામાંથી અથવા તોતિંગ ભાડુ આપીને ઓક્સિજન એમ્બ્યુલન્સ ભાડે કરવી પડે છે.
આમ, જિલ્લામાં ઓક્સિજનની પરિસ્થિતિ વધુ કથળે નહીં અને પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળી રહે તે માટે તંત્ર દ્વારા તાકિદે નક્કર પગલા લેવામાં આવે તેમ જિલ્લાની જનતા ઈચ્છી રહી છે.
અહીંની એક ખાનગી હોસ્પિટલના સંચાલક તબીબના જણાવાયા મુજબ અહીં આવતા ગંભીર દર્દીઓ ઓક્સિજનના અભાવે દમ તોડે તે પહેલા તંત્ર દ્વારા ઠાલી હૈયાધારણ આપવા ને બદલે ઓક્સિજનનો પર્યાપ્ત જથ્થો પૂરો પાડવામાં આવે. દર્દીઓ માટે ખુદ જાણીતા સંચાલક તબીબોએ જામનગર હાઈવે પર પડાણા ખાતે આવેલા ઓક્સિજન પ્લાન્ટમાં લાંબો સમય પ્રતીક્ષા કરવા છતાં પણ પૂરતી માત્રામાં ઓક્સિજન મળતો નથી. તે બાબતે ગંભીર તથા દુ:ખદ ગણાવવામાં આવી છે.