દેશમાં ચિંતાજનક હદે વકરતાં કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમ મારફતે 76મી વાર દેશવાસીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, દેશમાં મફત રસીનો કાર્યક્રમ ચાલતો રહેશે. રસીઓના સંબંધમાં કોઇ જાતની અફવાઓ પર જરા પણ ભરોસો નહીં કરવાથી તેમજ રસી લેવાની અપીલ વડાપ્રધાને કરી હતી.
કોરોના આપણા સૌની ધીરજ, દુ:ખ સહન કરવાની સીમાની પરીક્ષા લઇ રહ્યો છે. ઘણા સ્વજનો અકાળે છોડીને ચાલ્યા ગયા છે ત્યારે હવે વધુ ને વધુ સાવચેત બનવાની જરૂર છે તેવું મોદીએ ભારપૂર્વક કહ્યું હતું. કોવિડની પહેલી લહેર સામે સરળતાથી લડયા બાદ દેશનું મનોબળ ઊંચું હતું, પરંતુ બીજી લહેરના કહેરે દેશને હચમચાવી નાખ્યો છે તેવું તેમણે ઉમેર્યું હતું. દેશની સરકાર વર્તમાન સ્થિતિને પહોંચી વળવાના રાજ્ય સરકારોના પ્રયાસોને આગળ વધારવા સમર્પિત છે. વિશ્વસનીય સ્રોતો પાસેથી જ કોવિડની જાણકારી લેવા અપીલ છે તેવી ભલામણ વડાપ્રધાને કરી હતી.
મોદીએ જણાવ્યું હતું કે, આ વિકટ સમયમાં આપણે લડાઇ જીતવા માટે તજજ્ઞો અને વૈજ્ઞાનિકોની સલાહને પ્રાથમિકતા આપવી જોઇએ. વડાપ્રધાને રાયપુરમાં નર્સ ભાવના અને બેંગ્લોરમાં ફરજ બજાવતી સિસ્ટર સુરેખા સાથે વાત કરીને અનુભવો જાણ્યા હતા.