હાલમાં કપરો કોરોનાકાળ ચાલી રહ્યો છે. જામનગરની કોરોના હોસ્પિટલ પર પુષ્કળ વર્કલોડ છે. સેંકડો દર્દીઓ સારવારમાં છે. નવા નવા પોઝિટીવ દર્દીઓ જાહેર થઇ રહ્યા છે. પરંતુ આ સ્થિતિમાં આપણે રઘવાયાં ન થઇએ, વાસ્તવને સ્વિકારી સૌ ઉપાયો શોધીએ અને એકમેકને સહયોગ આપી સ્થિતિને નોર્મલ બનાવવા તરફ ધ્યાન કેન્દ્રીત કરીએ તે જરૂરી છે.
જામનગરની કોરોના હોસ્પિટલ ખાતે 2-3 દિવસ પહેલાંના સમયમાં કોરોના દર્દીઓને લાવતાં 108, એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની સંખ્યા પુષ્કળ હતી. આ સંખ્યા પ્રમાણમાં ઘટી રહી છે. તે આપણાં સૌ માટે રાહતની વાત છે. કોરોના હોસ્પિટલમાં સારવાર લીધાં પછી ઘણાં બધા લોકો સાજાં થયા છે, થઇ રહ્યા છે.
પાછલાં ત્રણ દિવસની વાત કરીએ તો, બુધવારે જામનગર શહેરના 131, ગુરૂવારે 146 અને શુક્રવારે 125 દર્દીઓ સાજા થઇ પોતાના પરિવારોમાં પાછાં ફર્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોના કોરોના હોસ્પિટલમાં રહેલાં દર્દીઓ પૈકી બુધવારે 130, ગુરૂવારે 133 અને શુક્રવારે 200 દર્દીઓ સાજા થયા છે.
આ સ્થિતિમાં આપણે સૌ રાહતની લાગણી અનુભવી હોસ્પિટલ પર વધુ બોજો ન લાદવાની માનસિકતા સાથે જરૂર ન હોય તેવી સ્થિતિમાં હોસ્પિટલ જવાને બદલે પૂરતી સાવચેતી સાથે હોમકવોરનટાઇન રહીએ તે જરૂરી છે અને જે લોકો કોરોના મહામારીથી હજૂ સુધી બચી શકયા છે તે સૌ નગરજનો સંક્રમણ આગળ ન વધે તે માટે વધુને વધુ સમય ઘરમાં રહે અને ખાસ કરીને શનિ-રવિ દરમ્યાન જરૂર પૂરતાં જ લોકો બહાર નિકળે તે આપણાં સૌ માટે સારી બાબત બની રહેશે.