કોરોના પ્રકોપ વચ્ચે સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લેતા રોજ થઈ રહેલા સંખ્યાબંધ મૃત્યુ મુદ્દે કેન્દ્ર સરકારને શુક્રવારે આકરા સવાલ કર્યા હતાં. જેનો કેન્દ્ર સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો ન હતો અને સુનાવણી 27 એપ્રીલ સુધી સ્થગિત રાખી દેવામાં આવી હતી.’ દરમિયાન વરિષ્ઠ ધારાશાત્રી હરીશ સાલ્વેએ પોતાને આ કેસમાંથી અલગ કરવાની અનુમતિ માગી હતી.
દેશનાં પ્રમુખ ન્યાયાધીશ (સીજેઆઈ) એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ જજની ખંડપીઠમાં શુક્રવારે આની સુનાવણી થઈ હતી. આ દરમિયાન પોતાનાં કાર્યકાળનાં અંતિમ દિવસે સીજેઆઈ બોબડેએ કેન્દ્ર સરકારને ફટકારતા કહ્યું હતું કે, ઓક્સિજનની કમીનાં વાંકે લોકો મરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સીજેઆઈ બોબડે પોતાનાં પદેથી નિવૃત્ત થયા હતાં. તેઓ એવા ચીફ જસ્ટિસ બની ગયા છે જેમનો મોટાભાગનો કાર્યકાળ લોકડાઉન અને વિડીયો કોન્ફરન્સથી સુનાવણીમાં વીત્યો છે.
સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર પછી હરીશ સાલ્વેએ પોતાને સુનાવણીમાંથી અલગ કરવાનો અનુરોધ કર્યો હતો. કોરોના સંબંધિત મામલામાં તેમને કોર્ટમિત્ર બનાવવામાં આવતાં કેટલાક વકીલો તરફથી થયેલી આલોચનાનો ઉલ્લેખ કરીને તેમણે આ કેસમાંથી અલગ થવાની વિનંતી કરી હતી. જેને મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તેનો આદેશ વાંચ્યાં વિના કેટલાક વરિષ્ઠ વકીલ ટિપ્પણી કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને રોકી જ નથી. સુપ્રીમે કેન્દ્રને પણ હાઈકોર્ટને રિપોર્ટ કરવાં કહેલું છે.