અનેક વીમા કંપનીઓ કોવિડ-19ની સારવાર માટે કેશલેસ સુવિધા નથી આપી રહી તેને લઈ નાણાં મંત્રી નિર્મલા સીતારામણે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથરાઈઝેશનના ચેરમેન એસ સી ખુંટિયાને વીમા કંપનીઓ ’કેશલેસ’ ક્લેમ રદ્દ કરી રહી છે તેવી ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. નાણાં મંત્રીએ ગુરૂવારે ટવિટ કરી હતી જેમાં લખ્યું હતું કે, ’વીમા કંપનીઓએ 8,642 કરોડ રૂપિયાના કોવિડ સાથે સંકળાયેલા 9 લાખથી વધારે ક્લેમનો નિકાલ કર્યો છે. પરંતુ કેટલીક હોસ્પિટલ કેશલેસ વીમા માટે ના પાડી રહી હોવાના રિપોર્ટ મળ્યા છે.IRDAIના ચેરમેન એસ સી ખુંટિયા સાથે વાત કરીને આ મામલે તરત પગલા ભરવા કહ્યું છે.’ ઉલ્લેખનિય છે કે, માર્ચ 2020માં કોવિડને વ્યાપક સ્વાસ્થ્ય વીમામાં સામેલ કરવામાં આવેલ. નાણાં મંત્રીએ કહ્યું કે, નિયમ પ્રમાણે કેશલેસ સુવિધા નેટવર્ક હોસ્પિટલોની સાથે સાથે કામચલાઉ હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ છે. IRDAIએ વીમા કંપનીઓને પ્રાથમિકતાના આધારે કોવિડના દાવાને સેટલ કરવા કહ્યું છે. આ અંગે સંજ્ઞાન લઈને IRDAIએ કહ્યું હતું કે, એવું સ્પષ્ટ કરવામાં આવે છે કે, જે મુદ્દે વીમા કંપનીઓની હોસ્પિટલો સાથે કેશલેસ સુવિધાને લઈ વ્યવસ્થા છે તેવા નેટવર્કવાળી હોસ્પિટલ કોવિડ સહિત તમામ પ્રકારની સારવાર કેશલેસ કરવા માટે બાધ્ય છે.