દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે મેડીકલ ઓક્સીજનની જરૂરિયાત વધી છે. સંકટની આ સ્થિતિમાં સરકાર અને લોકોની મદદ કરવા માટે ભારતીય વાયુસેના આગળ આવી છે. સરકારની મદદ કરવા માટે ભારતીય વાયુસેના વિમાન મારફતે ઓક્સીજનની સપ્લાય કરશે. એરફોર્સ હવે ઓક્સીજન કન્ટેનર્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોચાડવા માટે મદદ કરશે.
ભારતીય વાયુસેના બે C17 વિમાનો દ્રારા બે મોટા ઓક્સીજન કન્ટેનર્સ અને IL 76 ને એક ખાલી કન્ટેનરને બંગાળના પન્નાગઢ પહોચાડ્યા છે. આ ત્રણે કન્ટેનરને ત્યાંથી ભરવામાં આવશે અને દિલ્હી ખાતે પહોચાડવામાં આવશે. વાયુસેના દ્રારા ઓક્સીજનની સપ્લાય કરવા માટે દેશની અલગ અલગ જગ્યાઓ પર આ કામગીરી હાથ ધરવામાં આવશે.
ભારતને મેડિકલ ગ્રેડ ઓક્સિજનની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે અને દેશભરની ઘણી હોસ્પિટલોમાં ઓક્સીજનનો અભાવ છે . ગઈકાલે વાયુસેનાએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, કોવિડ -19 સામેની લડતમાં વાયુસેનાની ટીમ સહયોગ આપી રહી છે. ભારતીય વાયુસેના દેશભર માંથી ઓક્સીજન કન્ટેનર,સીલીન્ડર,દવા, હેલ્થ ઉપકરણ વગેરેની સપ્લાયમાં મદદ કરી રહી છે.એટલું જ નહી પરંતુ ભારતીય વાયુસેના હવે 23 મોબાઈલ ઓક્સીજન જનરેશન પલાન્ટસને જર્મનીથી લાવશે. જેથી કરીને જરૂરિયાત હોય તેવી હોસ્પિટલોમાં તે રાખી શકાય અને ઓક્સીજનની સપ્લાય કરવામાં મદદરૂપ બની રહે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે ઓક્સીજનની કમી નથી પરતું તેની સપ્લાય માટે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. કેટલીક જગ્યાઓએ ઓક્સીજન પહોચાડવામાં સમય લાગી રહ્યો છે. તેના કારણે જ દિલ્હી સહીત દેશના અન્ય રાજ્યોમાં ઓક્સીજન સપ્લાયમાં મુશ્કેલીઓ પડી રહી છે.