દેશભરમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને અમરનાથ શ્રાઇન બોર્ડ દ્રારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી તીર્થયાત્રા માટેના રજીસ્ટ્રેશનને અસ્થાઈ રીતે સ્થગિત કરવામાં આવ્યું છે. કોરોનાની સ્થિતિમાં સુધાર થતાં ફરીથી રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવશે.
ગતવર્ષે પણ કોરોનાની મહામારીને ધ્યાનમાં લેતા અમરનાથ યાત્રા રદ કરવામાં આવી હતી. આ વર્ષે 28 જુનથી અમરનાથ યાત્રા શરુ થવાની છે. પરંતુ હાલ કોરોનાના કેસોને ધ્યાનમાં લઇને યાત્રા માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. વર્ષ 2020માં યાત્રા રદ થઇ તે અગાઉ 2019માં પણ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યાના ત્રણ દિવસ પહેલા જ એટલે કે બે ઓગસ્ટે આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખી યાત્રાને વચ્ચે જ રોકી દેવામાં આવી હતી.
ગત મહિનાની શરૂઆતમાં આયોજિત એક બેઠકમાં અમરનાથ શ્રાઇન બોર્ડ (SASB)ના મુખ્ય કાર્યકારી અધિકારી નીતિશ્વર કુમારે જણાવ્યું કે બંને માર્ગો માટે રજિસ્ટ્રેશન દેશમાં 446 બેંક શાખાઓના માધ્યમથી 1 એપ્રિલના રોજથી શરૂ થશે. પરંતુ દેશમાં કોરોનાની વધી રહેલી મહામારીને ધ્યાનમાં રાખીને આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે.