જામનગર બાર એસોસિએશનના વકિલો અને તેમના પરિવારને મેડિકલ સહાય આપવા જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત સુવા તથા સેક્રેટરી મનોજ ઝવેરી દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને ધ્યાનમાં લેતાં જામનગર જિલ્લા અદાલત અને તેની તાબાની તથા ગુજરાતની તમામ કોર્ટોમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ચ્યૂઅલ કોર્ટ કામગીરી ચલાવવાનો આદેશ આપ્યો છે. હાલમાં જ્યૂડીસીયલ ઓફિસર, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ધારાશાસત્રીઓ તથા તેમના પરિવારજનો જામનગરમાં કોરોના સંક્રમિત થયા છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા તેમજ ત્યારબાદ જરૂરી દવાઓ અને સગવડ ઉપલબ્ધ કરાવવા ખૂબ તકલીફો થઇ રહી છે. કેટલાંક વકિલો અને તેમના પરિવારજનોને પૂરતી સારવાર મળતી નથી. અને ઘણાં લોકો જરૂરી સારવારના અભાવે મૃત્યુ પણ પામ્યા છે. આથી જામનગર બાર એસોસિએશનના વકિલોની તથા તેમના પરિવારજનોને તથા કર્મચારીઓ સહિત તમામને યોગ્ય સારવાર મળે તથા નોડલ ઓફિસર તરીકે જ્યૂડિસીયલ ઓફિસર તથા અન્ય અધિકારીની નિમણૂંક કરી કમીટી બનાવવામાં આવે અને આ કમીટી યોગ્ય મેડિકલ ઓફિસર અને જવાબદાર યોગ્ય અધિકારી તથા પોલીસ અધિકારીનો સંપર્ક કરી મેડિકલ સહાયની જરૂરિયાત ઉભી થાય તેવોને દવાથી લઇ હોસ્પિટલમાં દાખલ સુધીની પ્રક્રિયામાં મદદ કરે.
આ અંગે અન્ય જિલ્લાના મુખ્ય ન્યાયધિશોએ નોડલ અધિકારી ઓફિસર કમીટીઓ નીમેલ છે. આથી આ અંગે જામનગરમાં પણ તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવા માંગણી કરાઇ છે.