કોરોનાની મહામારી દિવસે દિવસે રૌદ્ર સ્વરુપ ધારણ કરતી જાય છે. ધ્રોલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો અને મૃત્યુ આંક સતત વધતો જાય છે. ત્યારે ધ્રોલ ખાતે સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓને પ્રાથમિક સારવાર તેમજ ઓક્સિજન આપવાની વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે.
ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે હાલમાં 23 બેડની કેપેસીટી ધરાવે છે. જેમાં 15 બાટલાઓ દ્વારા ઓક્સિજન આપવાની કામગીરી ચાલુ છે. હોસ્પિટલમાં હાલમાં ઓક્સિજનના બાટલા માટે જરુરી મીટર અને નળીનો મર્યાદિત સ્ટોક હોય તો ઓક્સિજનની બોટલ હોવા છતાં પણ તેનો ઉપયોગ થઇ શકતો નથી.
ધ્રોલ ખાતે ઓક્સિજન આપવા માટેના જરુરી સાધનો આઠ-આઠ દિવસથી શરુ થયેલ છે. તેમ છતાં સરકારી ડિપાર્ટમેન્ટ તરફથી આ સાધનો પુરા પાડવામાં આવેલ નથી. જે તાકિદે સાધનો પુરા પાડવામાં આવે તે જરુરી છે. કારણ કે, અન્ય દર્દીઓને ઓક્સિજન આપી શકાતો નથી. ત્યારે આવા દર્દીઓને અન્ય જગ્યાએ જવું પડે છે.
અત્રેની સરકારી હોસ્પિટલમાં ઘણાં જ સમયથી ચાર નર્સિંગ સ્ટાફ ત્રણ ડોકટરો તથા પટ્ટાવાળા સહિતનો સ્ટાફ ઘટે છે. ત્યારે આવા કપરા સમયમાં તાકિદે આ ઘટતા સ્ટાફની નિમણૂંક કરવી જરુરી છે.
હાલમાં જે સ્ટાફ છે તેને રૂટિન કામગીરી તથા ઓપીડીની કામગીરી પણ કરવાની રહે છે. ત્યારે આ કોવિડ કેર સેન્ટર શરુ થતાં આજ સ્ટાફ દ્વારા કામ ચલાવવું પડે છે. ત્યારે કોરોનાના દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર આપવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે. તેમજ હોસ્પિટલ ખાતે માત્ર એક જ એમ્બ્યુલન્સ હોવાથી અન્ય એમ્બ્યુલન્સની સુવિધા વધારવી પણ જરુરી છે.
ધ્રોલ ખાતેની સરકારી હોસ્પિટલમાં તાકિદે જરુરી સ્ટાફ તથા યોગ્ય સવલતો આપવામાં આવે તે અંગે જિલ્લાના આગેવાનો તથા આરોગ્ય વિભાગ તરફથી યોગ્ય વ્યવસ્થા તાકિદે કરવામાં આવે તે અત્યંત જરુરી છે.