જામનગર શહેર અને જિલ્લામાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા વહીવટી તંત્ર દ્વારા અવાર-નવાર અપીલ કરવામાં આવે છે. પરંતુ, તેમ છતાં અનેક લોકો આ મહામારીને ગંભીરતાથી લેતા અને કોવિડ ગાઈડલાઈનનો ઉલાળિયો કરતા હોય છે. પોલીસ દ્વારા કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરતા બાયપાસ નજીક આવેલી 8 દુકાનો અને હોટલો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર-જિલ્લામાં કોરોના મહામારીએ ભયાનકરૂપ ધારણ કર્યુ છે અને આ મહામારીના સંક્રમણની બીજી લહેરમાં દરરોજ અસંખ્યો લોકો ઝપટે ચડે છે અને અનેક લોકોના દરરોજ મોત નિપજે છે તેમ છતાં લોકો આ મહામારીને ગંભીરતાથી લેતા નથી અને સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક વિના આંટાફેરા કરતાં હોય છે અને સંક્રમણને વધારવામાં સિંહફાળો આપતા હોય છે. કોરોનાનું સંક્રમણને અટકાવવા માટે જામનગર કલેકટર રવિ શંકરએ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અનેક વખત અપીલો કરે છે પરંતુ તેમ છતાં અમુક લોકો આ અપીલને ધ્યાનમાં લેતા નથી અને તેનો ભોગ આમ પ્રજાએ પણ બનવું પડે છે.
કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા દુકાનદારો સામે કાર્યવાહી અંતર્ગત શહેર મામલતદાર તથા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા અને સ્ટાફ દ્વારા આજે સવારે જામનગર બાયપાસ નજીક દુકાનો અને હોટલોમાં સોશિયલ ડિસ્ટન્સીંગનો છડેચોક ભંગ કરાતો હોય પોલીસ દ્વારા આ વિસ્તારમાં આઠ દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી હતી. જેમાં દુકાનો ત્રણ દિવસ માટે અને હોટલ સાત દિવસ માટે સીલ કરવામાં આવી છે.