ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્રારા આજે રોજ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. તેમાં ગુજરાતમાં લોકડાઉન કરવામાં આવશે કે નહિ તે મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે હાલ લોકડાઉનને લઇને કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. રાજ્યના મહાનગરોમાં રાત્રી કર્ફ્યું લાગુ છે. જો અગામી સમયમાં કોઈ નિર્ણય લેવામાં આવશે તો તે અંગે જાણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં RT-PCR ના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. વધુમાં નાયબ મુખ્યમંત્રીએ રાજ્યમાં અત્યાર સુધી કેટલા ટેસ્ટીંગ કરવામાં આવ્યા તે અંગે પણ જણાવવામાં આવ્યું હતું.
લોકડાઉનને લઇને નીતિન પટેલે જણાવ્યું હતું કે અનેક મહાનગરો અને નગરોમાં રાત્રી કર્ફ્યૂં છે. આ ઉપરાંત સ્થાનિક લોકો વેપારી સંગઠનો અને નગરપાલિકાઓ પોતાની રીતે સ્વયંભૂ બજારો અને શહેરો બંધ રાખવાનો નિર્ણય કરી રહ્યા છે. કોઇ વિકએન્ડ લોકડાઉન પણ કરી રહ્યા છે. નાગરિકો પણ ભીડ એકત્ર ન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે 1 કરોડ 59 લાખ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. સરકારી લેબોરેટરિમાં RT-PCR ટેસ્ટિંગ કરી 24-30 કલાકની અંદર તેનો રિપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહાનગરોમાં વધારે લેબોરેટરી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સાથે અલગ અલગ જિલ્લાની મુલાકાતો દરમિયાન મોરબી, ભુજ સહિત જ્યાં પણ ટેસ્ટિંગ લેબ નથી તે ઉભી કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં પણ એક મશીન ફાળવવામાં આવ્યું છે.
ખાનગી લેબોરેટરીમાં RT-PCRના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે આવતીકાલથી લાગુ થશે અત્યાર સુધી ઘરેથી ટેસ્ટિંગનાં 1100 રૂપિયા વસુલાતા હતા. હવે તેમાં 200નો ઘટાડો કરી ઘરે કે હોસ્પિટલમાંથી ટેસ્ટિંગ કરાવવા ઇચ્છતા હોય તો 900 રૂપિયા જ ચાર્જ વસુલવાનો રહેશે. કોઇ વ્યક્તિ લેબોરેટરી પર ટેસ્ટ કરાવે તો અત્યાર સુધી 800 ચાર્જ થતો હતો તેમાં 100 નો ઘટાડો કરી 700 રૂપિયા જ ચુકવવાનાં રહેશે.