ખંભાળિયા પંથકમાં કાળમુખો કોરોના પોતાનો વિકરાળ પંજો વધુને વધુ પ્રસરાવી રહ્યો છે. કોરોનાના કારણે અનેક પરિવારના મોભીઓ તથા જુવાનજોધ, આશાસ્પદ યુવાનના મૃત્યુના બનાવો દિવસે- દિવસે સામે આવી રહ્યા છે. આવો એક કરુણ બનાવ ખંભાળિયામાં ગઈકાલે એક રઘુવંશી પરિવારમાં બન્યો છે. જેમાં વયોવૃદ્ધ પિતાના મૃત્યુના અગિયારમા દિવસે ગઈકાલે રવિવારે તેમના જુવાનજોધ પુત્રનું પણ કોરોના સારવાર બાદ મૃત્યુ નીપજયું હતું.
આ કરુણ બનાવની વિગત મુજબ ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા 66 વર્ષીય કાલિદાસ માધવજીભાઈ બારાઈ (કારૂભાઈ માસ્તર)નું ગત તા. 7ના રોજ કોરોનાની બીમારી દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેમની તમામ લૌકિક ક્રિયાઓ હજી સંપન્ન થઈ ન હતી, તે દરમિયાન તેમના જુવાનજોધ પુત્ર જીગ્નેશભાઈ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા અને ગઈકાલે રવિવારે તેમણે પણ અંતિમ શ્વાસ ખેંચ્યા હતા.
કોરોનાના કારણે ટૂંકા સમયગાળામાં એક જ પરિવારના બે સદસ્યોના થયેલા મૃત્યુના આ બનાવે રઘુવંશી સમાજ સાથે સમગ્ર શહેરમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.