ઓક્સિજન જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ જે પ્રકૃત્તિ આપણને ભરપૂર માત્રામાં આપે છે અને તે પણ વિનામૂલ્યે. હાલમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ઓક્સિજનની ગંભીર કટોકટી નિર્માણ પામી છે. ઓક્સિજન માટે મનુષ્ય હવાંતિયા મારતો નજરે પડે છે. ઓક્સિજનના અભાવે વ્યવસ્થા તંત્ર પણ હાંફવા લાગ્યું છે. ચારે બાજુ ઓક્સિજન માટે ભારે દોડાદોડી થઇ પડી છે. ઓક્સિજનનું ઉત્પાદન વધારવા કેન્દ્ર સરકાર તરફથી આદેશો આપવામાં આવ્યા છે. ઝડપભેર નવા પ્લાન્ટ લગાવવામાં આવી રહયા છે. તો બીજી તરફ ઓક્સિજન ભરેલી ટ્રેનો પણ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓક્સિજનના અભાવે ગુજરાત સહિત અનેક રાજયોમાં મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી રહયા છે. દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલો અને તબીબો પણ સંશાધનોના અભાવે લાચારી અનુભવી રહ્યા છે. તો બીજી તરફ દર્દીઓના સગા-સંબંધીઓની હાલત અત્યંત કફોડી બની ગઇ છે. આ સ્થિતિ માટે પ્રકૃત્તિના વિનાશનું કારણ માની શકાય. પ્રાણવાયુ માટે વલખા મારતાં મનુષ્યો માટે આ એક કુદરતનો સંકેત પણ ગણી શકાય.