ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટીયા પાસે ઈકો ગાડીમાં પાર્સલ ભરવાની બાબતે મનદુ:ખ રાખી છ શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઈપ અને લાકડી વડે માર મારી ઈકો વાહનના કાચ તોડી નુકસાન પહોંચાડયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર કુંભારવાડા વિસ્તારમાં અલી અસગર સફીમીયા કાદરી નામના યુવાન સાથે ઈકો ગાડીમાં પાર્સલ ભરવા બાબતે મનદુ:ખ નો ખાર રાખી શનિવારે બપોરના સમયે ઈમ્તિયાઝ ઉર્ફે લીટરીયો, નઝીર, ઈમ્તિયાઝ ઉર્ફે ઈમતુડો (લૈયારા) અને નવસાદ ઉર્ફે જોકર, સલીમ ઉર્ફે સુમરા, સદામ નામના છ શખ્સોએ અલીઅસગર રાજકોટથી જામનગર આવતો હતો ત્યારે જાયવા નજીક આંતરીને તેના ઉપર કુહાડી, લોખંડના પાઈપ અને લાકડીઓ વડે માર માર્યો હતો તેમજ છરીની અણીએ જીજે-10-ડીઈ-2141 નંબરની ઈકો ગાડીના કાચ તોડી નાખ્યા હતાં. હુમલો અને વાહનમાં તોડફોડના બનાવમાં પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે અલીઅસગરના નિવેદનના આધારે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.