Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં પોલીસ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપી, યુવાન સાથે છેતરપિંડી

ખંભાળિયામાં પોલીસ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપી, યુવાન સાથે છેતરપિંડી

ડુપ્લીકેટ કોલ લેટર આપી, રૂપિયા સાડા ત્રણ લાખ પડાવી લેતા શખ્સ સામે ફરિયાદ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના રહીશ એવા એક યુવાનને પોલીસ હેડ કોન્સ્ટેબલની સીધી નોકરી અપાવવાની વાતો કરી એક શખ્સ દ્વારા રૂપિયા સાડા ત્રણ લાખ પડાવી લઈ, વિશ્વાસઘાત કરવા અંગેનો બનાવ અહીંની પોલીસમાં નોંધાયો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામે રહેતા કુમારસિંહ ઉમેદસિંહ જાડેજા નામનો 24 વર્ષનો યુવાન સાથે અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકનો રહીશ જીગ્નેશ મનસુખભાઈ આરંભડીયા નામનો શખ્સ સંપર્કમાં આવ્યો હતો. જીગ્નેશ આરંભડીયાએ પોતાના સંપર્ક તથા આવડત મારફતે કુમારસિંહ જાડેજાને પોલીસ ખાતામાં હેડ કોસ્ટેબલ તરીકેની નોકરી અપાવવાની પ્રપોઝલ મુકી હતી. આ નોકરી માટે કુમારસિંહએ રૂપિયા સાત લાખ આપવા પડશે તેમ જણાવી, જીગ્નેશ દ્વારા કુમારસિંહ જાડેજાના નામનો ડુપ્લીકેટ કોલ લેટર જેવું સાહિત્ય તેને વોટ્સએપ મારફતે અપાવી અને તેને વિશ્વાસમાં લીધો હતો.

છેલ્લા પાંચેક માસથી ચાલતી આ ચર્ચામાં કુમારસિંહ જાડેજાએ જીગ્નેશ આરંભડિયાને થોડા સમય પૂર્વે જામનગર માર્ગ પર રૂપિયા સાડા ત્રણ લાખ રોકડા આપ્યા હતા. બાદમાં નોકરી કે કોઈ નક્કર ઓર્ડર ન આવતા આખરે કુમારસિંહને પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનો અહેસાસ થતાં તેમણે ખંભાળિયા પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી ખંભાળિયા પોલીસે જીગ્નેશ મનસુખલાલ આરંભડીયા સામે આઈપીસી કલમ 406, 465, 468, તથા 470 મુજબ ગુનો નોંધી આરોપી શખસની શોધખોળ હાથ ધરી છે. આ પ્રકરણ અંગે આગળની તપાસ પીએસઆઈ પી.એ. જાડેજા ચલાવી રહ્યા છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ વિવિધ પ્રકારના કામ રાખતા જીગ્નેશ આરંભડીયા દ્વારા અન્ય એક યુવાનને પણ પોલીસમાં નોકરી અપાવવા સામે રોકડ રકમ અંગેની ઓફર કરી હતી. પરંતુ અહીં તેની કારી ફાવી ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular