ગુજરાત રાજ્યના અન્ય મોટા શહેરોની જેમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. છેલ્લા 48 કલાક દરમિયાન નવા 62 દર્દીઓ સામે આવ્યા છે.
શનિવાર તથા રવિવારના બે દિવસના સમયગાળામાં જિલ્લાના સૌથી વધુ કોરોના દર્દીઓ ખંભાળિયામાં નોંધાયા છે. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં 27, કલ્યાણપુર તાલુકામાં 16, દ્વારકા તાલુકામાં 12, અને ભાણવડ તાલુકામાં 7 નવા દર્દી નોંધાયા છે. જો કે બે દિવસમાં એક પણ દર્દીને સ્વસ્થ જાહેર કરાયા નથી. સરકારી ચોપડે એક્ટિવ કેસનો આંકડો 310 તથા મૃત્યુનો કુલ આંક રાબેતા મુજબ 91 નો જાહેર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા તથા દ્વારકા શહેરમાં બપોર બાદ આંશિક અને સ્વૈચ્છિક લોક ડાઉન ઉપરાંત ખંભાળિયા તાલુકા સહિત જુદા જુદા ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ સ્વૈચ્છિક લોક ડાઉનનું પ્રમાણ વધ્યું છે. તેમ છતાં પણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક અને ભયજનક રીતે વધી રહ્યું છે.