રમઝાન માસ દરમિયાન વોર્ડ નં. 12માં વધારાના સફાઇ કામદારો ફાળવી વિસ્તારની સફાઇ કરાવવા અંગે વોર્ડ નં. 12ના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જામનગરમાં ઘણાં વર્ષોથી બીટ મુજબ સફાઇ કર્મચારીની ભરતી કરવામાં આવેલ નથી તેમજ 2013માં શહેરની હદમાં વધારો કરી ખૂબ જ વિશાળ વિસ્તાર નગરસીમને શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ નં. 12 આજની તારીખે જામનગર મહાનગરપાલિકાનું વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો વિસ્તાર છે. પરંતુ અન્ય વોર્ડની સરખામણીએ વોર્ડ નં. 12 સફાઇ કર્મચારીઓની ગણતરી કરવામાં આવે તો ખૂબ જ ઓછા સફાઇ કર્મચારીઓની ફાળવણી વોર્ડ નં. 12માં કરવામાં આવી છે. જેના કારણે વોર્ડમાં અનેક જગ્યાએ ગંદકી-કચરો એકઠો થાય છે. તેમજ અપૂરતા સ્ટાફને લીધે ઘણાં વિસ્તારોમાં ગટરોના ગંદા પાણી રોડ ઉપર ભરાતા હોય છે અને લોકોને ચાલવામાં તકલીફ પડી રહી છે.
વધુમાં આગામી તા. 14 એપ્રિલથી પવિત્ર રમઝાન માસ શરુઆત થવા જઇ રહી છે. જેથી વોર્ડ નં. 12ના વિસ્તારમાં રોડની સફાઇ, દવાનો છંટકાવ તેમજ ભૂગર્ભ ગટરોની મેન્યૂઅલી સફાઇની જરુરીયાત હોય, વોર્ડ નં. 12ના જુના તેમજ ખાસ નગરસીમના વિસ્તારની સફાઇ માટે વધારાના 30 સફાઇ કર્મચારીઆની એક માસ માટે ફાળવણી કરી આપવા માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં. 12ના સફાઇ કર્મચારીઓ અને એસએસઆઇની અન્ય સ્થળ ઉપર કે અન્ય વોર્ડમાં રમઝાન માસ દરમિયાન કોઇ ડયૂટી નહીં સોંપવા માંગણી કરવામાં આવી છે.