Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં વધુ 54 મોત, જિલ્લામાં 296 પોઝિટિવ કેસ

જામનગરમાં વધુ 54 મોત, જિલ્લામાં 296 પોઝિટિવ કેસ

24 કલાક દરમિયાન શહેરમાં 184, ગ્રામ્યમાં 112 નવા દર્દી ઉમેરાયા : 137 દર્દીઓ સાજા થયા : 2412 લોકોને વેકિસન અપાઇ: 11 એપ્રિલથી વેકિસનનું પ્રમાણ ઘટયું!

- Advertisement -

જામનગર શહેર અનેે જિલ્લામાં છેલ્લાં થોડાં સમયથી કોરોના સંક્રમણ સતત વધતું જાય છે. જિલ્લામાં દરરોજ આશરે 1700 જેટલા કોરોના પરીક્ષણ થાય છે તેમાંથી આશરે 300 જેટલા પોઝિટિવ કેસ નોંધાય છે. એટલે કે, દરરોજ 20 ટકા જેટલા લોકોના કોરોના પોઝિટિવ રીપોર્ટ આવે છે. જ્યારે બીજી તરફ દરરોજ ત્રણથી ચાર હજાર લોકોને વેકિસન આપવાના લક્ષ્યાંકમાં છેલ્લાં બે દિવસથી મહદઅંશે ઘટાડો જોવા મળી રહ્યો છે અને દરરોજ 2000 થી 2500 લોકોને વેકસીન આપવામાં આવી રહી છે. હાલમાં જ વડાપ્રધાને વેકિસન વધુને વધુ લોકોને આપવા તેમજ વધુને વધુ લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવા અપીલ કરી છે. ત્યારે જામનગર જિલ્લામાં પરીક્ષણનું પ્રમાણ તો યથાવત છે પરંતુ વેકિસન આપવાની કામગીરીમાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે. જે કોરોના મહામારીને વધુ વકરવા માટે આશ્ર્વાસન આપી રહી છે.

- Advertisement -

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીનું સંક્રમણ બેકાબુ રીતે વધી રહ્યું છે અને આ સંક્રમણ અટકાવવા રાજ્ય તથા કેન્દ્ર સરકારની કામગીરી સતત નિષ્ફળ થઈ રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં 6021 પોઝિટિવ કેસ નોંધાયા છે જે આજ દિવસ સુધીમાં રેકોર્ડ બે્રક અને 2854 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને 55 લોકોના મોત નિપજ્યાનું સરકારી ચોપડે નોંધાયેલું છે. જેમાં અમદાવાદમાં 20, સુરતમાં 18, રાજકોટમાં 4, વડોદરામાં 7 લોકોના મોત થયા હતાં.

જામનગર શહેર અને જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંકડો સતત વધતો જાય છે અને દરરોજના 300 કેસ સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે તેમજ રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લાઓના કોવિડ દર્દીઓ સારવાર માટે અહીંની જી.જી.હોસ્પિટલમાં દાખલ થાય છે. જેના કારણે જામનગરની કોવિડ હોસ્પિટલમાં 1200 દર્દીઓની ક્ષમતાની સામે 1300 દર્દીઓ સારવાર હેઠળ છે. ઉપરાંત જિલ્લા કલેકટર રવિ શંકર, મ્યુ. કમિશનર સતિષ પટેલ અને પોલીસ વડા દિપન ભદ્રનની દ્વારા જિલ્લામાં ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની મંજૂરી આપ્યા બાદ 7 ખાનગી હોસ્પિટલોમાં 350 બેડની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જો કે, આ 350 બેડ પણ ગણતરીના કલાકોમાં જ ભરાઇ ગયા હતાં. જેથી જામનગર શહેર-જિલ્લામાં હવે જેમ-જેમ કોરોનાના દર્દીઓ વધતા જશે તેમ તેમ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પરિસ્થિતિ અતિશય ભયંકર બનતી જશે.

- Advertisement -

છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગરની કોવિડ હોસ્પિટલમાં વધુ 54 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે, આ દર્દીઓના કોરોનાથી મોત થયા ન હોય જેથી સરકારી તંત્રના ચોપડે કોરોનાથી એકપણ મોત થયું નથી. તેમજ જામનગર શહેરમાં 24 કલાક દરમિયાન 1713 લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા હતાં તેમાંથી 184 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે સારવાર લઇ રહેલા 74 દર્દીઓએ કોરોનાને માત આપી હતી અને શહેરમાં આજ દિવસ સુધીમાં કુલ 272487 લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં. જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો, 24 કલાક દરમિયાન 731 લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા છે. તે પૈકીના 112 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે સારવાર લઇ રહેલા 63 દર્દીઓ સાજા થયા છે. ઉપરાંત કોરોના પરિક્ષણની સાથે સાથે વધુને વધુ લોકોને કોરોના વેકિસન આપવાની વડાપ્રધાને અપીલ કરી હતી અને 11 થી 14 એપ્રિલ સુધી ‘ટીકા ઉત્સવ’ ઉજવવાની વાત કરી હતી. પરંતુ જામનગરમાં પરિસ્થિતિ બીલકુલ વિપરીત છે. કેમ કે, 11 એપ્રિલથી કોરોના રસીકરણમાં કોઇ પણ કારણસર મંદી આવી ગઇ છે. 11 એપ્રિલ પહેલાં દરરોજ આશરે 4000 લોકોને વેકિસન આપવામાં આવતી હતી. પરંતુ, વડાપ્રધાનની અપીલ બાદ જ જામનગરમાં 24 કલાક દરમિયાન પ્રથમ ડોઝ માત્ર 2013 લોકોને અને બીજો ડોઝ માત્ર 399 લોકોને આપવામાં આવ્યો છે. આમ, શહેરમાં માત્ર 2412 લોકોને જ કોરોના વેકિસન આપવામાં આવી છે. જેથી વડાપ્રધાનની અપીલ બાદ રસીકરણની પ્રક્રિયામાં 50 ટકાનો માતબર ઘટાડો નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular