જામનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ટ્રિગાર્ડ વિનામૂલ્યે લગાવવામાં આવે છે. તેમ છતાં જામનગર મહાનગરપાલિકા દ્વારા તેના માટે સ્ટે. કમિટીમાં 10 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે પૂર્વમેયર કનકસિંહ જાડેજા દ્વારા સવાલ ઉઠાવી પ્રજાના પરસેવાની કમાણીનો કોઇ સારા કાર્ય માટે ઉપયોગ થાય તેમ એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં મળેલી સ્ટે. કમિટીની બેઠકમાં જામનગર શહેરને હરિયાળુ બનાવવા માટે શહેરના તમામ કોર્પોરેટરોને 10-10 (ટોટલ 640) ટ્રી ગાર્ડ જે તે કોર્પોરેટર સૂચવે તે જગ્યાએ વૃક્ષ વાવવા માટે આપવાની મંજૂરી આપતા આ અંગેનો 10 લાખ જેટલો ખર્ચ મંજૂર કરેલ છે.
ત્યારે રાજકોટની સદ્ભાવના વૃધ્ધાશ્રમ અને સતકર્મ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં વિનામૂલ્યે વૃક્ષારોપણ કરી તેને ફરતે ટ્રી-ગાર્ડ ફીટ કરી આપવામાં આવે છે. જામનગર શહેરમાં પણ અનેક જગ્યાએ આ સંસ્થા દ્વારા વૃક્ષો વાવવી ટ્રીગાર્ડ ફીટ કરવામાં આવ્યા છે.
ઉપરાંત મહાનગરપાલિકાના પૂર્વશાસક પક્ષ નેતા અને વર્તમાન વોર્ડ નં. 11ના કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા આ ટ્રસ્ટમાં જામનગરમાં સેવા આપી રહ્યાં છે. તેઓ દ્વારા જે લોકો વૃક્ષ વાવવા અને ટ્રીગાર્ડની ડિમાન્ડ કરે તેને તેઓએ પૂર્ણ કરી જ છે. આથી શાસકો પ્રજાના પરસેવાની કમાણી ટેકસ સ્વરુપે મહાનગરપાલિકાને મળતી હોય, પ્રજા માટે બીજા કોઇ સારા કાર્ય માટે ઉપયોગ થાય અને જનતાના પૈસાનો દૂરપયોગ બંધ કરવા પૂર્વમેયર કનકસિંહ જાડેજાએ જણાવ્યું છે.