એક અસામાન્ય ઘટનાક્રમમાં અમેરિકી નૌકાદળે હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતીય જળસીમામાં ભારત સરકારની પરવાનગી વિના જ ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન અંતર્ગત અમેરિકી નેવીનું એક યુદ્ધ જહાજ ભારતના લક્ષદ્વીપ નજીક આવેલા એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં પ્રવેશ્યું હતું. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ઘણા મજબૂત બન્યાં છે ત્યારે અમેરિકી નેવીએ આ પ્રકારનું ઓપરેશન હાથ ધરવાની કોઈ આવશ્યક્તા નહોતી.
7 એપ્રિલે અમેરિકી નેવીના 7મા નૌકા કાફલાએ એક નિવેદન જારી કરી જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત ભારત સરકારની આગોતરી પરવાનગી લીધા વિના આર્લે બર્ક ક્લાસની મિસાઇલ ડિસ્ટ્રોયર યુએસએસ જ્હોન પોલ જોન્સ આંતરરાષ્ટ્રીય જળસીમાઓમાં નેવિગેશનની સ્વતંત્રતા અને અધિકારો અંતર્ગત લક્ષદ્વીપથી 130 માઇલ સુધી ભારતના એક્સક્લુઝિવ ઔઇકોનોમિક ઝોનમાં પ્રવેશી હતી.
ભારત સરકાર તરફથી આ અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી. ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી સહકાર વધી રહ્યો છે તેવા સમયે જ અમેરિકી નેવી દ્વારા આ પ્રકારનું ઓપરેશન હાથ ધરાયું છે. હાલમાં ભારત અને અમેરિકાના નૌકાદળ હિંદ મહાસાગરમાં જાપાન, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળો સાથે સંયુક્ત કવાયતો કરી ચૂક્યાં છે. ફ્રાન્સના નેતૃત્વમાં પાંચ એપ્રિલથી 7 એપ્રિલ સુધી લા પ્રોઉસ યુદ્ધ કવાયત હાથ ધરાઈ હતી.
બીજી બાબત એ કે જાન્યુઆરી મહિનામાં જો બાઇડેન અમેરિકાના પ્રમુખ બન્યા ત્યાર પછી પોતાના સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોઇડ ઓસ્ટિન ભારતની મુલાકાતે આવ્યા તેના થોડા સપ્તાહ બાદ આ ઘટના બની છે.
અમેરિકાએ 1979માં ફ્રીડમ ઓફ નેવિગેશન પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત અમેરિકી નેવી વિશ્વભરમાં જઈ શકે અને કાયદા અનુસાર વેપાર થતો રહે તેના રાજદ્વારી અને ઓપરેશનલ પ્રયાસો કરે છે. અમેરિકન નેવી કહે છે કે તેના તમામ ઓપરેશન આંતરરાષ્ટ્રીય કાયદાન અનુરૂપ હોય છે. આંતરરાષ્ટ્રીય કાયદા પરવાનગી આપે છે તે તમામ સ્થળે અમેરિકા ઉડાન ભરી શકે છે અને તેના યુદ્ધ જહાજો જઈ શકે છે.
અમેરિકાના નેવીએ જણાવ્યું હતું કે, ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં યુદ્ધ કવાયત યોજવા અથવા તો જહાજો પસાર થવા દેવા માટે ભારત સરકારની પરવાનગી લેવી તે આંતરરાષ્ટ્રીય કાયદા સાથે મેળ ખાતી નથી. નેવિગેશનની સ્વતંત્રતા આંતરરાષ્ટ્રીય કાયદામાં માન્યતા અપાયા પ્રમાણેના અધિકાર, સ્વતંત્રતા અને સમુદ્રના કાયદેસરના ઉપયોગની પરવાનગી અપાઈ છે.