કોરોના વાયરસની ગંભીર બનેલી બીજી લહેર વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન કોરોનાની વિકરાળ સ્થિતિ અને રસીકરણ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ બેઠક દરમિયાન કહ્યું હતું કે, દેશ ફર્સ્ટ વેવ પીક ક્રોસ કરી ચૂક્યો છે અને હવે સંક્રમણ પહેલા કરતા વધારે છે. જે ચિંતાનો વિષય છે. પીએમએ આ દરમિયાન ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ ઉપર વધારે ધ્યાન આપવા કહ્યું હતું અને સંપૂર્ણ લોકડાઉન નહીં પણ કોવિડ મેનેજમેન્ટની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. પીએમએ વાતચીત દરમિયાન 11થી 14 એપ્રિલના રસીકરણ ઉત્સવ મનાવવામાં આવે અને વધુમાં વધુ લોકોને રસી અપાવવામાં આવે. આ સાથે રાજ્યોને કહ્યું હતું કે, કોરોના વાયરસના કેસ વધવાથી ચિંતા કરવાને બદલે તેને નિયંત્રણમાં લાવવા માટે વધારે મહેનત કરવામાં આવે. આ સાથે કોરોના સંક્રમણ દર 5 ટકાથી નીચે લાવવા ઉપર ભાર મૂકવા અને નાઈટ કર્ફ્યૂને કોરોના કર્ફ્યૂ તરીકે ઓળખવા કહેવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કોરોનાથી બચાવ માટેનાં સૂચનો માગ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, ફરી એક વખત પડકારજનક સ્થિતિ બની રહી છે. અમુક રાજ્યોમાં પડકાર વધી રહ્યો છે. આ વખતે લોકો વધુ બેદરકારી દાખવી રહ્યા છે અને પ્રશાસન પણ ઢીલાશ વર્તી રહ્યું છે. તેવામાં ફરી એક વખત યુદ્ધનાં ધોરણે કામ કરવું પડશે. પીએમએ કહ્યું હતું કે, દુનિયાભરમાં નાઇટ કર્ફ્યૂનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે નાઇટ કર્ફ્યૂને કોરોના કર્ફ્યૂ તરીકે યાદ રાખવું જોઈએ.
આ ઉપરાંત કોરોનાને રોકવા માટે માઇક્રો ક્ધટેન્મેન્ટ ઝોન ઉપર ધ્યાન આપવું જરૂરી હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ વખતે કોરોના સામે લડવા માટેના તમામ ઉપાય છે. રસી પણ છે. જો કે પહેલાના મુકાબલે લોકો વધુ બેદરકાર બન્યા છે. પીએમ મોદીએ રાજ્યોને આગ્રહ કરતા કહ્યું હતું કે 45 વર્ષથી વધુ વયના તમામ લોકોનું રસીકરણ સુનિશ્ચિત કરવામાં આવે. 11થી 14 એપ્રિલ રસીકરણ ઉત્સવ પણ મનાવી શકાશે. જેમાં વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવે.
વીડિયો કોન્ફરન્સમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન’ તથા ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, પંજાબ, આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો.