કોરોનાથી ટોચના સંક્રમિત દેશોમાં સામેલ રહેલા બ્રિટનમાં દરરોજના નવા દર્દી 3 હજારથી નીચે અને દરરોજનાં મૃત્યુ 50થી ઓછાં થઇ ગયાં છે. એટલે કે જાન્યુઆરીના પિકથી નવા દર્દી 90 ટકા સુધી ઘટી ગયા છે. આ વર્ષના શરૂઆતના દિવસોમાં અહીં દરરોજ 50 હજારથી વધુ કેસ મળી રહ્યા હતા. ફેબ્રુઆરી પછી યુરોપમાં કોરોનાની નવી લહેર આવી અને નવા દર્દીઓની સંખ્યા અનેક ગણી વધી ગઇ હતી. જયારે બ્રિટનમાં ફેબ્રુઆરી પછી નવા કેસ બે તૃતીયાંશ ઘટી ગયા છે. નિષ્ણાંતો અનુસાર સૌથી વધુ ચેપગ્રસ્ત હોવા છતાં બ્રિટને કોરોનાને કાબૂમાં લેવાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું છે. ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડને એક રિસર્ચના આધારે કહ્યું કે, બ્રિટને ઝડપી વેકિસનેશન અને યોજનાબદ્ધ રીતે તબકકાવાર લોકડાઉન લગાવ્યું એટલા માટે ઇન્ફેકશન અને મૃત્યુ વચ્ચેની ચેન તોડવામાં સફળ થયું. બ્રિટને 14 ડિસેમ્બરથી દેશમાં વેકિસનેશનની શરૂઆત કરી દીધી હતી. અત્યાર સુધી તે દેશની 48 ટકાથી વધુ વસતીને પહેલો ડોઝ આપી ચુકયું છે. લંડનમાં બે દિવસ તો એવા પણ વીત્યા જયારે કોઇ મૃત્યુ ન થયું.
બ્રિટનમાં લોકડાઉનનો સપ્ટેમ્બરમાં પણ વિરોધ થયો પછી જાન્યુઆરીમાં નવા લોકડાઉન પછી પણ અનેક જગ્યાએ દેખાવ થયા પણ સરકાર નમી નહીં. જાન્યુઆરીમાં લાગેલા લોકડાઉનમાં દરેક વસ્તુના ખૂલવાની સમયમર્યાદા નકકી કરી, એટલે લોકો ડર્યા નહી.
બ્રિટેને ઝડપી વેકસીનેશન અને યોજનાબધ્ધ પ્રતિબંધોથી કોરોનાની કેડ ભાંગી નાંખી
ફેબ્રુઆરી પછી કેસમાં 66% જેટલો ઘટાડો અને મૃત્યુના કિસ્સામાં 92%નો ઘટાડો