કોરોના મહામારીની બીજી લહેરે ભારતમાં ભારે આફત મચાવી છે. કોરોનાની બીજી લહેર પહેલાં કરતાં પણ વધુ ખતરનાક છે. નિષ્ણાતોના કહેવા મુજબ આ વખતે યુવાનો, બાળકો અને ગર્ભવતી મહિલાઓ વધુ પ્રમાણમાં કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. દિલ્હીની લોકનાયક હોસ્પિટલના એમડી ડો. સુરેશ કુમારે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર પગલાં કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ રહી છે. પહેલાં મોટાભાગે વૃદ્ધો કોરોનાની ઝપેટમાં આવતા હતા. પરંતુ આ વખતે યુવાનો, બાળકો, ગર્ભવતી મહિલાઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહી છે, જે ચિંતાની બાબત છે.
વધુમાં દેશમાં કોરોનાના પ્રસાર માટે સ્વાસ્થ્ય નિષ્ણાતોએ કોરોનાની બીજી લહેરના ફેલાવા માટે નિયમોના પાલનનો અભાવ, કોરોના વેરિઅન્ટ્સના પ્રસારને મુખ્ય કારણ ગણાવ્યા છે. લાઈફકોર્સ એપિડેમિઓલોજીના પ્રોફેસર અને વડા ડો. ગિરિધર આર. બાબુએ જણાવ્યું હતું કે કોરોનાના કેસમાં તીવ્ર ઊછાળાના મુખ્યત્વે ત્રણ પરિબળો છે. સરકાર આ બાબત કબૂલી નથી રહી, પરંતુ કોરોનાના નવા વેરિઅન્ટ્સની ભૂમિકા નિશ્ચિતપણે ચિંતાની બાબત છે. આ નવા વેરિઅન્ટ્સ વધુ ઝડપથી ફેલાઈ રહ્યા છે. કેટલાક મ્યુટેશનવાળા વેરિઅન્ટ્સને એન્ટીબોડી શોધી શકતી નથી. વધુમાં વાતાવરણ અને લોકોની વર્તણૂક પણ કોરોનાના પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. લોકો રાજકીય રેલીઓ, લગ્નો, ટોળાઓમાં જોડાઈ રહ્યા છે અને તે પણ માસ્ક પહેર્યા વિના. વધુમાં મોટાભાગના સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન થતું નથી.