Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં કોરોના કેસને પગલે અધિકારીઓનું ફુટ પેટ્રોલિંગ

ખંભાળિયામાં કોરોના કેસને પગલે અધિકારીઓનું ફુટ પેટ્રોલિંગ

એસડીએમની આગેવાનીમાં જુદા-જુદા વિસ્તારોમાં ઝુંબેશ: દંડાત્મક કાર્યવાહી

- Advertisement -

કોરોના વાયરસનું સંક્રમણ ખંભાળિયા તાલુકામાં ભયજનક રીતે વધતા લોકોમાં રહેલી બેદરકારી સામે સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે. અને ગઈકાલે શહેરમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ અંગે ફૂટ ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં બેન્કના કર્મચારીઓ સહિત બેદરકાર તત્વો દંડાયા હતા.

- Advertisement -

ગત વર્ષે કોરોનાના પીક સમય જેવી પરિસ્થિતિ હાલ ખંભાળિયા તાલુકામાં પ્રવર્તી રહી છે. ત્યારે આ સામે સરકારના નિયમ મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની અમલવારી કરવા લોકો બેકાળજી બની રહ્યા છે. તેની સામે આજે સવારે અહીંના પ્રાંત અધિકારી ડી.આર. ગુરવ તથા મામલતદાર કે.જી. લુક્કા દ્વારા ખાસ ફૂટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે અહીંના નગર ગેઈટ ખાતેથી આ ડ્રાઈવનો પ્રારંભ થયો હતો. જેમાં એસ.ડી.એમ. ડી.આર. ગુરવ, મામલતદાર લુક્કા, પી.આઈ. વી.વી. વાગડીયા, પી.એસ.આઈ. પ્રદીપસિંહ જાડેજા, નાયબ મામલતદાર ગોહિલ સહિતનો સ્ટાફ આ ડ્રાઈવમાં જોડાયો હતો.

અધિકારીઓ દ્વારા ખાસ યોજવામાં આવેલી આ ફૂટ ડ્રાઈવમાં અહીંના નગર ગેઈટ, જોધપુર ગેઈટ, રાજડા રોડ, મેઈન બજાર, શાક માર્કેટ વિસ્તાર, વિગેરે ટ્રાફિકથી વ્યસ્ત માર્ગો પર અધિકારી ચાલીને જઈને માસ્ક વગર નીકળેલા લોકો સામે સમજાવટ સાથે દંડનીય કાર્યવાહી કરી હતી. આ ડ્રાઈવમાં અધિકારીઓ દ્વારા અહીંની શાકમાર્કેટ, સુપરમાર્કેટ, ઉપરાંત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મેઈન બ્રાન્ચ અને સેન્ટ્રલ બેન્કમાં માસ્ક અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન બંન્ને બેંકના એક- એક કર્મચારીઓ સહિત કુલ 57 વ્યક્તિઓ માસ્ક વગર હોવાથી રોકડ ફટકારી રૂપિયા 57,000 નો હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તંત્રની આ કડક અને પરિણામલક્ષી કાર્યવાહીએ બેદરકાર લોકોમાં ફફડાટ સાથે દોડધામ પ્રસરાવી દીધી હતી.

- Advertisement -

આ સાથે અહીંના પી.આઇ. વી.વી. વાગડિયાના વડપણ હેઠળ શહેરમાં ટ્રાફિક ડ્રાઇવ પણ યોજવામાં આવી હતી. જેમાં 20 વાહનો ડિટેઇન કરી, અને રેકડી- લારીવાળાઓ સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ જાણવા મળેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular